બંને દેશો વચ્ચે સંબંધો ખરાબ થતાં નિર્ણય
નવીદિલ્હી,તા. ૨
ઉરીમાં ત્રાસવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો દિનપ્રતિદિન ખરાબ થઇ રહ્યા છે. હવે ભારતીય બેડમિંટન એસોસિએશને પણ પાકિસ્તાન ઇન્ટરનેશનલ સિરિઝમાં ભાગ લેવાનો ઇન્કાર કરી દીધો છે. આ બેડમિંટન સ્પર્ધા ૧૮મી ઓક્ટોબરથી શરૂ થવા જઇ રહી છે. પાકિસ્તાન ઇન્ટરનેશનલ સિરિઝ ૨૧મી ઓક્ટોબર સુધી ઇસ્લામાબાદમાં યોજાનાર છે. ભારતીય બેડમિંટન એસોસિએશનના અધ્યક્ષ અખિલેશ દાસ ગુપ્તાએ માહિતી આપતા કહ્યું છે કે, કોઇપણ ભારતીય ખેલાડી આ ટુર્નામેન્ટમાં ભાગ લેશે નહીં. બેડમિંટન એસોસિએશને ઉરીમાં આતંકવાદી હુમલા બાદ બંને દેશો વચ્ચે ઉભી થયેલી સ્થિતિને ધ્યાનમાં લઇને આ નિર્ણય કર્યો છે. ગુપ્તાએ કહ્યું છે કે, દેશના નાગરિકોની ભાવનાઓને ધ્યાનમાં લઇને આ નિર્ણય કરવામાં આવ્યો છે. નાગરિકોની ભાવના સાથે કોઇ બાંધછોડ કરી શકાય નહીં. બંને દેશો વચ્ચે સંબંધો તંગ બની ચુક્યા છે. ભારતીય બેડમિંટન એસોસિએશને પોતાની ટીમને પાકિસ્તાન ન મોકલવાનો નિર્ણય લીધો છે. હાલમાં જ આતંકવાદીઓએ ઉરી સેક્ટરમાં સેનાના બેઝ કેમ્પ ઉપર હુમલો કર્યો હતો જેમાં ૧૮ ભારતીય જવાન શહીદ થયા હતા. ત્યારબાદ ભારતીય સેનાએ પીઓકેમાં સર્જીકલ હુમલા કરીને સાત ત્રાસવાદી કેમ્પને ફૂંકી માર્યા હતા. આ સર્જીકલ હુમલામાં સેનાના આશરે ૪૦ ત્રાસવાદીઓ માર્યા ગયા હતા. ભારતીય બેડમિંટન ટીમ પાકિસ્તાન જશે નહીં તેવી જાહેરાત કરવામાં આવતા આ સંદર્ભમાં છેલ્લા કેટલાક દિવસથી ચાલી રહેલી ચર્ચાઓનો આજે અંત આવ્યો હતો. હાલમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે કોઇપણ રમતમાં સંબંધો સાનુકુળ દેખાઈ રહ્યા નથી. ક્રિકેટના સંબંધો છેલ્લા ઘણા વર્ષથી રહ્યા નથી. હવે બેડમિંટનના સંબંધો પણ તુટી ગયા છે. પાકિસ્તાન તરફથી આ સંદર્ભમાં હજુ સુધી કોઇ પ્રતિક્રિયા આપવામાં આવી નથી.
Recent Comments