ભુજ, તા.ર૭
કચ્છમાં ભારતીય જળ સીમાની અંદર સિરક્રિક વિસ્તારમાં ઘૂસી આવી પાકિસ્તાની એજન્સીની બોટમાંથી ભારતીય બોટ ઉપર ગોળીબાર કર્યો હોવાની ઘટના બનતા સુરક્ષા એજન્સીઓ સાબદી બની ગઈ છે અને દરિયાઈ ચોકી પહેરો વધુ સઘન બનાવાયો છે. આ ઘટનાની વિગતો એવી છે કે, તા.ર૬/૧રની મોડી રાત્રે સિરક્રિક વિસ્તારમાં પાક. મરીનની એક બોટ ભારતીય જળ સીમા અંદર ઘૂસી આવી હતી અને ભારતીય બોટને આંતરી લીધી હતી અને આ ભારતીય બોટમાંથી જીપીએસ સિસ્ટમ, ઉપરાંત માછલીનો જથ્થો લૂંટી ગયા હતા અને ભારતીય કોસ્ટગાર્ડની આ બોટ ઉપર ગોળીબાર પણ કર્યો હતો. જો કે, ગોળીબારથી કોઈને ઈજા થઈ નથી. આ ઘટના અંગે મોડીરાત્રીના નારાયણ સરોવર પોલીસ મથકે જાણવા જોગ એન્ટ્રી કરવામાં આવી છે. જો આ સત્તાવાર પોલીસ એન્ટ્રીમાં એમ જણવાયું છે કે, ગોળીબાર પાક. મરીનની બોટમાંથી નહીં પરંતુ તેની સાથે રહેલી અન્ય એક બોટમાંથી કરાયો હતો. ઘટના બાદ જખૌ કોસ્ટગાર્ડની બોટ સિરક્રિક ધસી ગઈ હતી અને ભારતીય માછીમાર બોટને જખૌ કિનારે સલામત લાવી હતી. જો કે, છેક સિરક્રિક જેવી આંતરરાષ્ટ્રીય જળ સીમાની નજીક ભારતીય માછીમારોને માછીમારી કરવાની મનાઈ હોવા છતાં આ બોટ સિરક્રિક કેમ પહોંચી હતી ? તે મુદ્દે પણ સુરક્ષા એજન્સીઓની ઉલટ તપાસ થશે તેવું જાણવા મળ્યું છે.