કોલકાતા, તા.૨૦
એમએસકે પ્રસાદના નેતૃત્વમાં સિલેક્શન કમિટી આજે કોલકાતામાં વેસ્ટ ઇન્ડિઝ સામેની ૩ ટી-૨૦ અને વનડે સીરિઝ માટે ટીમ પસંદ કરશે. પ્રસાદના નેતૃત્વ વાળી કમિટીનું આ સિલેક્ટર્સ તરીકે અંતિમ સિલેક્શન હોય તે લગભગ નક્કી છે. બીસીસીઆઈની એન્યુલ જનરલ મિટિંગ ૧ ડિસેમ્બરના રોજ થવાની છે, તેથી એક નવી સિલેક્શન કમિટી જલ્દી જોવા મળી શકે છે. ભારત વેસ્ટ ઇન્ડિઝ સામેની ત્રણ ટી-૨૦ ૬, ૮ અને ૧૧ નવેમ્બરના રોજ મુંબઈ, થિરુવનંથપુરમ અને હૈદરાબાદમાં રમશે. તેમજ ત્રણ વનડે ચેન્નાઇ, વિશાખાપટ્ટનમ અને કટક ખાતે ૧૫, ૧૮ અને ૨૨ નવેમ્બરના રોજ રમશે.
રોહિત શર્માને વિન્ડીઝ સામેની સીરિઝમાં આરામ આપવામાં આવે છે કે નહીં, તે જોવાનું રહેશે. રોહિત માટે આ સીઝન લાંબી રહી છે. તે આઇપીએલથી સતત રમતો આવ્યો છે અને તેના વર્કલોડ પર ધ્યાન આપવામાં આવે તે જરૂરી છે. બાંગ્લાદેશ સામેની ટી-૨૦માં વિરાટ કોહલીને આરામ આપવામાં આવ્યો હતો અને રોહિતે ટીમની કપ્તાની કરી હતી. બીસીસીઆઈના એક સદસ્યે કહ્યું કે, “સિલેક્ટર્સ રોહિત સાથે વાત કરશે અને ત્યારબાદ તેને આરામ આપવો કે નહીં તે નિર્ણય લેશે.” જો રોહિત શર્માને આરામ આપવામાં આવે તો મયંક અગ્રવાલને તેની જગ્યાએ તક મળી શકે છે.