(એજન્સી)
નવી દિલ્હી, તા.૧૦
એન્ટી ડોપીંગ એજન્સી (નાડા)ની ક્રિકેટ ખેલાડીઓના ડોપ પરીક્ષણની માંગને આજે ભારતીય ક્રિકેટ બોર્ડે (બીસીસીઆઈ)એ એમ કહીને ફગાવી દીધી કે આ સરકારી સંસ્થાના અધિકાર ક્ષેત્રમાં ક્રિકેટરોનું ડોપ પરીક્ષણ કરવું નથી. બીસીસીઆઈના મુખ્ય કાર્યકારી અધિકારી રાહુલ જોહરીએ નાડા પ્રમુખ નવીન અગ્રવાલને પત્ર લખી સ્પષ્ટતા કરી કે બીસીસીઆઈ રાષ્ટ્રીય ખેલ મહાસંઘ (એનએસએફ)નો હિસ્સો નથી અને આવામાં તે ક્રિકેટરોનું પરીક્ષણ કરી શકે નહીં અને બીસીસીઆઈની એન્ટી ડોપીંગ સિસ્ટમ ઘણી મજબૂત છે. તેમણે કહ્યું કે અહિયા એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે બીસીસીઆઈ એનએસએફનો હિસ્સો નથી. એટલા માટે નાડા પાસે બીસીસીઆઈ દ્વારા આયોજીત થનારી ઘરેલુ અને આંતરરાષ્ટ્રીય મેચોમાં રમનારા ખેલાડીઓનો ડોપ ટેસ્ટ કરવાનો અધિકાર નથી. તેમણે કહ્યું કે ઉપરોકત કથન અનુસાર આની કોઈ જરૂર નથી કે બીસીસીઆઈના અધિકારી મેચ દરમ્યાન અથવા બાદમાં ક્રિકેટરોના ડોપિંગ ટેસ્ટ માટે નાડાને સહયોગ કરે. બીસીસીઆઈએ આ જવાબ સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત સંચાલકોની સમિતિની સલાહથી આપ્યો છે.