(એજન્સી) તા.૨૩
શાસક ભાજપ સરકાર ભલે ઇનકાર કરતી પરંતુ એક હકીકત છે કે આર્થિક કટોકટીએ વિવિધ ક્ષેત્રમાં લાખો કામદારોની આજીવિકાને પ્રભાવિત કરી છે અને ઘણાને બેરોજગારીનો ડર છે. આમ અર્થતંત્ર જંગી માનવીય કિંમતનો ભોગ લઇ રહ્યું છે.
આપણે ઘણા વર્ષોથી ગ્રામીણ સંકટ કે સુસ્તી અંગે સાંભળતા અને વાતો કરતા આવ્યાં છીએ પરંતુ હવે ડેટા દર્શાવે છે કે શહેરી વપરાશમાં પણ ઘટાડો થયો છે અને ભારતમાં ખાસ કરીને અત્યારે ૫ લાખથી વધુ પ્રવાસી વાહનો વેચાયા વગરના પડ્યા છે અને ૧૩ લાખ જેટલા ઘરો તૈયાર છે પરંતુ તેને લેનાર કોઇ નથી. સરકાર જો મોટા પાયે દરમિયાનગિરી નહીં કરે તો આગામી મહિનામાં શહેરની હાલત પણ ગામડા જેવી થઇ જશે. ટાટા મોટર્સ માટે વિવિધ સ્પેરપાટ્‌ર્સ બનાવનાર એન્સીલરી કંપની સાથે કમ્પ્યુટર ઓપરેટર તરીકે કામ કરતા જમશેદપુરના સ્થાનિક ભાજપના નેતાના ૨૫ વર્ષના પુત્ર આશિષકુમારે ઓટો ઇન્ડસ્ટ્રીની મંદીને કારણે પોતાની નોકરી જશે એવા ડરથી ૧૬ ઓગસ્ટ, ૨૦૧૯ના રોજ આત્મહત્યા કરી લીધી હતી. અત્યાર સુધીમાં ઓટો સેક્ટરમાં ૩,૫૦,૦૦૦થી વધુ લોકોએ નોકરી ગુમાવી દીધી છે.
અંદરના લોકોનું કહેવું છે કે હજુ આ સેક્ટરમાં વધુ લોકોને રોજગાર ગુમાવવાનો વારો આવી શકે છે. રીઅલ અસ્ટેટ સેક્ટરની પણ આવી જ હાલત છે. રીઅલ એસ્ટેટ સેક્ટરમાં અત્યારે ૧૩ લાખ જેટલા ઘરો વેચાયા વગરના પડ્યા છે અને દર વર્ષે તેમાં ૮ ટકાનો વધારો થતો રહે છે. કન્ઝ્‌યુમર ડ્યુરેબલ્સમાં પણ આવી જ સ્થિતિ છે. આ સેક્ટરમાં પણ માંગ ઘટી રહી છે. યોગગુરુ રામદેવની પતંજલિનું વેચાણ પણ ૩ ટકા જેટલું ઘટી ગયું છે. આર્થિક મંદી એટલી ઘેરી બનતી જાય છે કે હવે તેને સજીવન કરવા માટે ચમત્કારની જરુર છે.