(એજન્સી) બોત્સવાના, તા. ૧
ઇવીએમની વિશ્વસનીયતા પર વિપક્ષની ચિંતાને વિદેશોમાં પણ સમર્થન મળ્યું છે. આફ્રિકાના બોત્સવાનામાં જોરદાર રાજકીય ચર્ચા ચાલી રહી છે કે ચૂંટણીઓમાં ઇવીએમનો ઉપયોગ કરવામાં આવે કે નહીં. આ ઇવીએમ ભારતમાં બનાવવામાં આવ્યા છે. દેશનો મુખ્ય વિરોધ પક્ષ બોત્સવાના કોંગ્રેસ પાર્ટી સરકારના નિર્ણયનો વિરોધ કરી રહી છે. નિયમો બદલીને ચૂંટણીઓમાં ઇવીએમનો ઉપયોગ કરવાનો સરકારે નિર્ણય લીધો છે. આ નિર્ણય અંગે બોત્સવાના કોંગ્રેસ પાર્ટી કોર્ટમાં ગઇ છે. બોત્સવાનાની સરકાર અને ચૂંટણી પંચે ભારતના ચૂંટણી પંચને ત્યાંની કોર્ટમાં ઉપસ્થિત થઇને ઇવીએમ મશીનો સાથે કોઇ પણ પ્રકારના ચેડા કરી શકાય નહીં, એ બતાવવા માટે ત્યાં આવવાની ચૂંટણી પંચને દરખાસ્ત કરી છે. બોત્સવાનાની સરકાર ઇચ્છે છે કે ભારતનું ચૂંટણી પંચ કોર્ટમાં બતાવે કે ઇવીએમ અને વીવીપેટ મશીન કેવી રીતે કામ કરે છે અને તેમાં ચેડા કરવાનું શક્ય નથી. બુધવારે ૩૦મી મે એ બોત્સવાનાનું એક પ્રતિનિધિમંડળ નવી દિલ્હીમાં ચૂંટણી પંચના કાર્યાલયે પહોંચીને ઇવીએમના કેટલાક સેમ્પલ માગ્યા છે. આ પહેલી વાર નથી જ્યારે ભારતમાં બનેલા વોટિંગ મશીનો અંગે બોત્સવાનામાં વિવાદ થયો છે. ૨૦૧૭માં એવા અહેવાલ આવ્યા હતા કે બોત્સવાનામાં ઇવીએમ હેકાથોન આયોજિત કરવામાં આવ્યું હતું. ૨૦૧૭માં ભારતમાં પણ ઘણાં રાજકીય પક્ષોએ ઇવીએમ સામે પ્રશ્ન ઉભા કર્યા હતા. ભારતમાં પણ દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ અને આપના અન્ય નેતાઓએ કહ્યું હતું કે જ્યારે બોત્સવાનામાં ઇવીએમનો જાહેરમાં ટેસ્ટ કરી શકાય છે તો ભારતમાં કેમ નહીં. જોકે, અધિકારીઓએ કહ્યું હતું કે ઇવીએમ મશીનોથી ત્યાં હેકાથોન કરવામાં આવ્યું હતું, એ ઇવીએમ મશીનો ભારતમાં બની ન હતી. સરકારી કંપની ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડે કહ્યું હતું કે તે માત્ર એટલું બતાવી શકે છે કે આ મશીનો કેવી રીતે કામ કરે છે. નોંધનીય છે કે ઇવીએમ બનાવનારી બે કંપનીઓમાંથી એક ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ પણ સામેલ છે.