(એજન્સી) શ્રીનગર, તા.૩૧
કેન્દ્રીય ગૃહ પ્રધાન રાજનાથસિંહ દ્વારા મંત્રણાના પ્રસ્તાવ બાદ જમ્મુ-કાશ્મીરના અલગતાવાદી નેતાઓએ જણાવ્યું હતું કે જો ભારતની નેતાગીરી જમ્મુ-કાશ્મીર મુદ્દે એક અવાજમાં વાત કરે તો હુર્રિયત કોન્ફન્સ શાંતિ પ્રક્રિયામાં જોડાવવા માટે તૈયાર છે.
એક નિવેદનમાં કાશ્મીરના અલગતાવાદી સંગઠનોના સમૂહ જોઇન્ટ રેઝીસ્ટેન્સ લીડરશીપ (જેઆરએલ)એ જણાવ્યું હતું કે, ભારત સરકારે સ્પષ્ટ કરવું જોઈએ કે તે કયા મુદ્દે વાત કરવા માંગે છે. અને ભારતીય નેતાગીરીએ એક સૂરમાં વાત કરવી જોઈએ. અમે શાંતિ પ્રક્રિયામાં સામેલ થવા તૈયાર છે. હુર્રિયતના “હાર્ડલાઈન” જૂથના નેતા સૈયદ અલી ગિલાનીએ હૈદરપોરામાં પોતાના નિવાસસ્થાને એક બેઠકનું આયોજન કર્યું હતું. હુર્રિયતના ચેરમેન મિરવાઈઝ ઉમર ફારૂક અને જમ્મુ-કાશ્મીર લિબરેશન ફ્રન્ટના વડા યાસીન મલિક પણ આ બેઠકમાં હાજર રહ્યા હતા.
જેઆરએલએ જણાવ્યું હતું કે, શાંતિ પ્રક્રિયામાં પારદર્શકતા આવે તે જરૂરી છે તેમજ એ વાતની પણ ખાતરી મળવી જોઈએ કે તમામ પક્ષકારો તરફથી વચનો અને સંકલ્પો પર અમલ કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે ગત શનિવારે કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહે જણાવ્યું હતું કે, જો હુર્રિયતના નેતાઓ આગળ આવે તો કેન્દ્ર સરકાર તેમની સાથે વાટાઘાટો કરવા તૈયાર છે. છેલ્લા કેટલાક સમયમાં એવું પ્રથમ વખત બન્યું છે જ્યારે અલગતાવાદી નેતાઓએ કેન્દ્ર સાથે મંત્રણા માટે કોઈ શરત મૂકી નથી. હુર્રિયત નેતાગીરીએ જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક દિવસોથી અલગ-અલગ વ્યક્તિઓ દ્વારા નવી દિલ્હી તરફથી ચર્ચા માટેના પ્રસ્તાવો આવી રહ્યા છે. પણ નવી દિલ્હી તરફથી વાતચીતની આ દરખાસ્ત અસ્પષ્ટ અને મુંઝવણ ભરેલી છે. કેમ કે એક તરફ કેન્દ્રીય ગૃહમંત્રી કાશ્મીર અને પાકિસ્તાન બંને સાથે વાતચીત થવી જોઈએ તેમ જણાવે છે જ્યારે બીજી તરફ વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજે જણાવ્યું હતું કે, જ્યાં સુધી પાકિસ્તાન ત્રાસવાદ બંધ નહીં કરે ત્યાં સુધી તેની સાથે વાતચીત શક્ય નથી.