(એજન્સી) તા.૨૭
ભારતમાં વાણી સ્વાતંત્ર માટે બંધારણીય બાંહેધરી છે અને વિશ્વમાં ભારતમાં સૌથી મોટી અને સૌથી વૈવિધ્ય ધરાવતી મીડિયા ઇન્ડસ્ટ્રી છે પરંતુ પત્રકારોનું કહેવું છે કે ભારતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમના પ્રશાસનની ટીકા કરતા અહેવાલોને અટકાવવાના મકસદથી તેમને ધાકધમકીઓનો સામનો કરવો પડે છે.
છેલ્લા છ મહિનામાં વિવિધ વગદાર મીડિયા આઉટલેટ્‌સ ખાતે ત્રણ તંત્રીઓ પોતાની નોકરી છોડીને ચાલ્યા ગયા છે. મોદીના હિંદુ રાષ્ટ્રવાદી ભાજપના સમર્થકો કે મોદી સરકારને રોષ આવે તેવા અહેવાલો પ્રસિદ્ધ કર્યા બાદ આ પત્રકારો નોકરી છોડીને ચાલ્યા ગયા છે. કેટલાક પત્રકારો તેમજ ટીવી એન્કરોએ રોઇટર્સને જણાવ્યું છે કે તેમને શારીરિક હુમલાની ધમકીઓ આપવામાં આવી છે અને મોદી પ્રશાસન દ્વારા સોશિયલ મીડિયા પર તેમને ખરાબ ચિતરવામાં આવે છે અને બહિષ્કાર પણ કરવામાં આવે છે.
બુધવારે વાર્ષિક વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્ષ જાહેર કરવામાં આવ્યો હતો જેમાં પેરિસ સ્થિત રિપોર્ટર્સ વિધાઉટ બોર્ડર્સ દ્વારા જણાવાયું હતું કે આ ઇન્ડેક્ષમાં ૧૮૦ દેશોમાંથી વિશ્વમાં ભારતનો ક્રમાંક ૧૩૮મો છે અને ૨૦૧૭ની તુલનાએ તેનું સ્થાન ૨ પોઇન્ટ નીચે ગયું છે. ભારત આ બાબતમાં ઝિંબાબ્વે, અફઘાનિસ્તાનથી પણ પાછળ છે. રિપોર્ટર્સ વિધાઉટ બોર્ડર્સ દ્વારા જણાવાયું હતું કે હિંદુ રાષ્ટ્રવાદીઓ રાષ્ટ્ર વિરોધી તમામ અભિવ્યક્તિને દબાવવાની કોશિશ કરી રહ્યા હોવાથી હવે મુખ્ય ધારાના મીડિયામાં સેલ્ફ સેન્સરશીપ વધી રહી છે અને પત્રકારો ઉદામવાદી રાષ્ટ્રવાદીઓ દ્વારા ઓનલાઇન બદનામ કરવાની કેમ્પેનના ભોગ બને છે કે જેઓ પત્રકારોને બદનામ કરવા ઉપરાંત તેમના પર શારીરિક હુમલા કરવાની પણ ધમકી આપે છે.
આ ગ્રુપે જણાવ્યું હતું કે પત્રકારોને નિશાન બનાવતા ભડકાઉ ભાષણો શેર કરવામાં આવે છે અને ટ્રોલ આર્મી દ્વારા પત્રકારોને સોશિયલ નેટવર્કિંગ પર ટ્રોલ કરવામા ંઆવે છે. જો કે બધા પત્રકારો એવું માનતા નથી કે સમસ્યા છે. સંસદસભ્ય અને મોદીને સમર્થન આપતા રાજકીય કટાર લેખક સ્વપ્નદાસ ગુપ્તા જણાવે છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં મીડિયાની સ્વતંત્રતાનું હનન થયું હોય એવું મને લાગતું નથી.
જ્યારે ભારતની પ્રથમ ખાનગી ન્યૂઝ ચેનલ એનડી ટીવીના સહસંસ્થાપક પ્રણવ રોય જણાવે છે કે ભારત મીડિયા વિરુદ્ધ આક્રમક મેક કાર્થિઝમમાંથી પસાર થઇ રહ્યું છે. જ્યારે ભાજપના પ્રવક્તા જી વીએલ નરસિંહરાવે જણાવ્યું હતું કે મીડિયાને ધાકધમકીના આક્ષેપો સત્યથી વેગળા છે. ઉલ્ટાનું મીડિયા દ્વારા ભાજપ વિરુદ્ધ ઝેર ઓકવામાં આવે છે.