(એજન્સી) તા.૮
ભારતમાં આગામી લોકસભા ચૂંટણી ખૂબ જ નજીક આવી ગઈ છે. ત્યારે અમેરિકાના ન્યુયોર્કમાં શનિવારે ભારતીય વાણિજ્ય દૂતાવાસની બહાર સેંકડો ભારતીયો એકઠાં થયા હતા અને તેમણે ભારતમાં બંધારણ, લોકશાહી અને માનવાધિકારો માટે લડનારા સાથે એકજૂથતા દર્શાવી હતી. લોકશાહી બચાવોના શીર્ષક હેઠળ આયોજિત આ રેલીમાં ન્યુયોર્ક ખાતે ભારતીય સમુદાયના વિજ્ઞાનીઓ, એન્જિનિયરો, કામદારો અને કોમ્પ્યુટર પ્રોફેશનલ, કલાકારો, ડોક્ટર, હિન્દુઓ, શીખ, દલિત અને મુસ્લિમો, નીતિ ઘડનારા, બુદ્ધિજીવિઓ ડારેબીઓ અને કાર્યકરો તથા સમુદાયના નેતાઓ પણ જોડાયા હતા. ભારતમાં છેલ્લે ૨૦૧૪ બાદ સત્તામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વડપણ હેઠળની સરકાર આવ્યા બાદથી દલિતો અને મુસ્લિમો પર થતાં અત્યાચારો અને લિન્ચિંગની ઘટનાઓ પર ટિપ્પણી કરતાં દલિત એકતા મંચ સાથે સંકળાયેલા અને ફિલાડેલ્ફિયામાં આવેલા દલિત ખ્રિસ્તી લ્યુથર્ન ચર્ચના પાદરી અને આ રેલીને આયોજકોમાં સામેલ સારા એન્ડરસને કહ્યું હતું કે દલિત એકતા મંચ ભારે નિશાન બનાવતા દલિતો અને હાંસિયામાં ધકેલાયેલા લોકોની પડખે ઊભું છે. દલિત અને અન્ય લઘુમતી સમુદાયના લોકો માટે અમે અવાજ ઊઠાવીશું. બંધારણને બચાવવા માટે અને તેમને વાણી સ્વતંત્રતા અપાવવા માટે પ્રતિબદ્ધ છીએ. તેમણે કહ્યું કે છેલ્લે ૨૦૧૦થી લિન્ચિંગની ઘટનાઓ બનવાની શરૂઆત થઇ હતી અને આ ઘટનાઓને મોટાભાગે ગૌહત્યાના નામે અંજામ આપવામાં આવી હતી. જો કે, ૨૦૧૪-૨૦૧૮ દરમિયાન ૯૭ ટકા ઘટનાઓ બની હતી. જોકે આ સમયગાળા દરમિયાન જ ભાજપ સત્તામાં રહ્યું છે. બંધારણીય સિદ્ધાંતો અને સંસ્થાનોને નબળાં બનાવવાનું કામ પણ ભાજપ સરકારે જ કર્યુ છે અને તે જ તેના માટે જવાબદાર છે. નિવેદનમાં કહેવાયું છે કે ચૂંટણી પંચ, સુપ્રીમકોર્ટ, સીબીઆઈ, રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા જેવી સંસ્થાને નબળી બનાવી દેવામાં આવી છે. ભાજપના મંત્રીઓ તથા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા વારંવાર તેમના એજન્ડામાં બંધારણ બદલવાની વાતો કરતા રહ્યાં છે. મીડિયા સંસ્થાનોને દબાવવા માટે આઈટી તથા સીબીઆઈને હથકંડો બનાવાય છે અને આ બધા કૃત્યોની શરૂઆત ભાજપના શાસન હેઠળ જ થઈ છે.