(એજન્સી)
અમદાવાદ, તા.૧૧
ગુજરાતમાં અમદાવાદથી પૂણે જનારી ઈન્ડિગોના વિમાનની બ્રેક ઉડ્ડયન કરતી વખતે ફેલ થઈ ગઈ હતી. વિમાનના પાયલટની ચપળતાના કારણે દુર્ઘટના ટળી ગઈ. વિમાનમાં આશરે ૧૦૦ યાત્રીઓ સવાર હતા. જો વિમાન ટેઈક ઓફ કરતું તો મોટી દુર્ઘટના થઈ શકતી હતી, પરંતુ અમદાવાદના ડોમેસ્ટિક એરપોર્ટ પર જ વિમાનને રોકી દેતા કોઈ દુર્ઘટના બની નહીં.
અહેવાલ મુજબ ઈન્ડિગોની ફ્લાઈટ (૬ઈ-૩પ૧) અમદાવાદથી પૂણે જનાર હતી. પાયલટે ટેક ઓફની તૈયારી કરી કે તરત જ તેને ખબર પડી ગઈ કે બ્રેક ફેલ થઈ ગઈ છે. બ્રેક ફેલ થઈ જતા વિમાનને રન-વે પર જ રોકી દેવાયું. ત્યારબાદ બહુ જ ધીમી ગતિથી તેને રન-વે પરથી હટાવાયું. આશરે બે કલાકના સમારકામ બાદ વિમાનને પૂણે માટે ઉડ્ડયન કરાવાયું. તે વિમાન સાંજે ૪ઃ૩પ કલાકે રન-વે પર પહોંચ્યું હતું. જણાવાઈ રહ્યું છે કે, પાયલટે પોતે જ ફ્લાઈટને રોકીને બ્રેક ફેલ હોવાની સૂચના યાત્રીઓને આપી હતી. અનાઉન્સમેન્ટ થતા જ વિમાનમાં બેસેલા ૧૦૦ યાત્રીઓના જીવ અધ્ધર થઈ ગયા હતા. ત્યારબાદ પાયલટે એટીસી દ્વારા ફ્લાઈટ રદ કરાવી.
એરપોર્ટના અધિકારીઓ મુજબ વિમાનમાં બેસેલા તમામ યાત્રીઓને સુરક્ષિત રીતે ટર્મિનલમાં લઈ જવાયા હતા. ત્યારબાદ વિમાનના સમારકામમાં બે કલાક લાગ્યા હતા.