(એજન્સી) નવી દિલ્હી, તા.૧૧
સુપ્રીમકોર્ટના વરિષ્ઠ વકીલ ઈન્દિરા જયસિંહ અને એમના પતિ વકીલ આનંદ ગ્રોવર અને સામાજિક કાર્યકર ઈન્દુ આનંદના ઘર અને ઓફિસો ઉપર સીબીઆઈએ દરોડાઓ પાડયા છે. આ પહેલાં ઈન્દિરા જયસિંહના એનજીઓ અને એફસીઆરએના ઉલ્લંઘનના આક્ષેપો મૂકી કાર્યવાહી કરાઈ હતી. આ મામલામાં ઈડીએ વિદેશી ભંડોળના દુરૂપયોગના આરોપો મૂક્યા હતા. ગુરૂવારે સવારે સીબીઆઈની ટીમ ઈન્દિરા જયસિંહ અને એમના પતિના ઘર અને ઓફિસો ઉપર દરોડાઓ પાડવાની કાર્યવાહી શરૂ કરી હતી. દિલ્હી અને મુંબઈ એમ બન્ને સ્થળોએ દરોડાઓ ચાલુ છે. સીબીઆઈના દરોડાઓ બદલ ઈન્દિરા જયસિંહે કહ્યું વર્ષોથી અમારા દ્વારા કરાયેલ માનવ અધિકારોના કાર્યોના લીધે અમને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. એનજીઓ લોયર્સ ક્લેક્ટિવના અધ્યક્ષ આનંદ ગ્રોવર છે. એમણે દરોડાઓની તીવ્ર આલોચનાઓ કરી છે. એ સાથે એમણે સીબીઆઈના બધા આક્ષેપોને રદ કર્યા છે. સરકાર અમને ડરાવવા માંગે છે. આ કાર્યવાહી સત્તાના દુરૂપયોગને દર્શાવે છે. એનજીઓએ નિવેદનમાં કહ્યું છે. લોયર્સ ક્લેક્ટિવે કથિત એફસીઆરએ ઉલ્લંઘન બાબતે એમની સામે મૂકાયેલ આરોપો દાખલ કરાયા પછી અધિકારીઓને સંપૂર્ણ સહયોગ આપ્યો છે તેમ છતાં દરોડાઓ પડાયા છે એ વાત આંચકો આપનારી છે. દુર્ભાગ્યરીતે ભારત સરકારે એવા લોકો અને સંગઠનો વિરૂદ્ધ સરકારી મશીનરી અને એમના વિભિન્ન વિભાગોનો ઉપયોગ કરવા પસંદગી કરી છે જેમણે બંધારણીય મૂલ્યો અને કાયદાના શાસનને જાળવી રાખવામાં સંપૂર્ણ સહયોગથી કાર્ય કર્યું છે. લોયર્સ ક્લેક્ટિવે કહ્યું છે કે આ મામલો હાઈકોર્ટમાં પડતર છે. ભારત સરકારે લોયર્સ ક્લેક્ટિવ અને એમના પ્રતિનિધિઓ દ્વારા કરાયેલ મહત્ત્વપૂર્ણ માનવ અધિકારના કાર્યોને લક્ષ્ય બનાવવા સરકારી એજન્સીઓનો દુરૂપયોગ કર્યો છે. દરોડાઓની કાર્યવાહી પણ એ માટે કરાઈ છે કારણ કે મોટાભાગે આ બન્ને વકીલો સત્તાધારી પક્ષના સરકારના મંત્રીઓ અને વરિષ્ઠ અધિકારીઓ વિરૂદ્ધ સંવેદનશીલ મામલાઓમાં કોર્ટમાં હાજર થતા રહે છે.