(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૧૪
શહેરના દિલ્હીગેટ વિસ્તારમાં આવેલી સ્વાતિ ચેમ્બર્સમાં ઓફિસ ધરાવતા બે ઠગ શખ્સોએ વકીલાતની અભ્યાસ કરતાં વિદ્યાર્થીને ઈન્ડોનેશિયામાં નોકરી અપાવવાના બહાને રૂપિયા ૫.૭૫ લાખ પડાવી લઈ છેતરપિંડી કરી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ મૂળ ભાવનગરના નારી ગામના વતની અને હાલ વરાછા રોડ હીરબાગ નજીક તપશિલ સોસાયટીમાં રહેતા ૨૮ વર્ષિય પંકજભાઈ ઈશ્વરભાઈ ગઢિયા હાલ એલએલબીનો વિદ્યાર્થી છે તે ગત વર્ષના ફેબ્રુઆરી મહિનામાં દિલ્હીગેટ સ્વાતિ ચેમ્બર્સમાં ધરાવતા નિરવ રમણી કભાઈ કાપડિયા (રહે. રામ મંદિર ટ્રસ્ટ, ઈચ્છાપુર, તા. જી. જુનાગઢ) તથા સૂચિત નરેન્દ્રસિંહ પાસે આવ્યો હતો અને ઈન્ડોનેશિયાની ફૂડ કંપનીમાં નોકરી અપાવવાની વાત કરાઈ હતી. આ દરમિયાન બંને ઠગ શખ્સોએ પંકજ પાસેથી પ્રોસીજર ચાજૃના નામે ટુકડે ટુકડે રૂપિયા ૫,૭૫,૦૦૦ પડાવી લીધા હતા. પરંતુ તે પછી પણ પંકજને ઈન્ડોનેશિયા મોકલ્યો ન હતો. ગત ઓગસ્ટ મહિના સુધી બંને શખ્સોએ માત્ર રૂપિયા પડાવી પંકજને ધક્કે ચડાવી દીધો હતો. આખરે પંકજ જે તે સમયે મહિધરપુરા પોલીસને જાણ કરતા પોલીસે જે તે દિવસે અરજી લીધા બાદ ગુરુવારે એ અરજીના આધારે છેતરપિંડીનો ગુનો નોધી આગળની તપાસ શરૂ કરી છે.