International

ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ વિડોડોએ ટ્રમ્પના પગલાંને યુએન ઠરાવોનું ઉલ્લંઘન કહી સખત રીતે વખોડ્યો

(એજન્સી) નવી દિલ્હી, તા.૧૮
યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના જેરૂસલેમને ઈઝરાયેલની રાજધાની તરીકે સ્વીકારવાના નિર્ણયના વિરોધમાં રવિવારે ઈન્ડોનેશિયાની રાજધાની જકાર્તામાં હજારો લોકોએ ભેગા મળીને રેલી કાઢી હતી. યુએસની દાયકાભરની નીતિઓ વિરૂદ્ધ મહિનાની શરૂઆતમાં લેવાયેલા ટ્રમ્પના આ વિવાદાસ્પદ પગલાંનું આજ સુધીમાં તે ઈન્ડોનેશિયામાં થયેલું સૌથી મોટું વિરોધ પ્રદર્શન હતું. યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જેરૂસલેમને ઈઝરાયેલની રાજધાની તરીકે સ્વીકારવાની ઘોષણા કરી હતી અને યુએસ એલચી કચેરીને તેલ-અવીવમાંથી જેરૂસલેમ ખસેડવાની તૈયારીની યોજના ઘડી હતી. આ પગલાંને અરબ જગતમાં અને આંતરરાષ્ટ્રીય સ્તરે વખોડવામાં આવ્યું હતું. પોલીસનું અનુમાન હતું કે લગભગ ૮૦,૦૦૦ ઈન્ડોનેશિયનો માર્ગ પર વિરોધ પ્રદર્શન કરતા હતા અને તે દિવસ આ વિરોધનો દસમો દિવસ હતો. વિરોધીઓએ પેલેસ્ટીન રાષ્ટ્રધ્વજ અને શાંતિ, પ્રેમ અને આઝાદ પેલેસ્ટીન લખેલા બેનરો સાથે દેખાવ કર્યો હતો અને મોટાભાગના લોકો સફેદ વસ્ત્રોમાં હતા. વિરોધ પ્રદર્શન દરમિયાન ઈસ્લામ ધર્મગુરૂઓએ અમેરિકન બનાવટની ચીજવસ્તુઓનો બહિષ્કાર કરવાનું લોકોને કહ્યું. અનવર અબ્બાસ, ઈન્ડોનેશિયન કાઉન્સિલ ઓફ ઉલેમાના ઉચ્ચ ધર્મગુરૂએ એક આવેદનપત્ર વાંચ્યું. જે ઈન્ડોનેશિયાના નાગરિકોને જ્યાં સુધી ટ્રમ્પ પોતાનો નિર્ણય પાછો ન લે ત્યાં સુધી અમેરિકન બનાવટની વસ્તુઓને ખરીદવાનું બંધ કરવાની અરજ કરતું હતું. અમે દરેક રાષ્ટ્રોને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના જેરૂસલેમને ઈઝરાયેલની રાજધાની બનાવતા ગેરકાનૂની અને એકતરફી નિર્ણયનો અસ્વીકાર કરવાની અરજ કરીએ છીએ. અબ્બાસે કહ્યું, જો ટ્રમ્પ તેના નિર્ણયને પાછો નહીં ખેંચે તો અમે આ દેશના લોકોને અમેરિકી અને ઈઝરાયેલી બનાવટની ચીજવસ્તુઓનો બહિષ્કાર કરવાનું કહીશું. અબ્બાસે ઉમેર્યું હતું, આવેદનપત્રને ઈન્ડોનેશિયાના યુએસ રાજદૂત સામે રજૂ કરવામાં આવશે. તેમાં બીજા રાષ્ટ્રો પાસે યુએસને ન અનુસરીને પોતાની એલચી કચેરીઓને તેલ-અવીવથી જેરૂસલેમ ન ખસેડવાની માગણી પણ કરવામાં આવી હતી અને યુએન સુરક્ષા પરિષદને ટ્રમ્પની ઘોષણા પર ચર્ચા કરવા તાત્કાલિક સત્ર બોલાવવાની અરજી પણ કરી હતી. મૌલવી પરિષદના ચેરમેન મરૂફ અમીને કહ્યું, સરકાર સાથે અને જગત સાથે રહીને પેલેસ્ટીનની સ્વતંત્રતા માટે રાજનૈતિક, રાજદ્વારી અને નાણાકીય પદ્ધતિઓ દ્વારા લડીએ. ઈન્ડોનેશિયન રાષ્ટ્રપતિ જોકો વિડોડોએ ટ્રમ્પના પગલાંને યુએન ઠરાવોનું ઉલ્લંઘન ગણાવી તેને સખત વખોડ્યું હતું. ઈન્ડોનેશિયા ઈઝરાયેલ સાથે કોઈ રાજદ્વારી સંબંધો ધરાવતું નથી અને લાંબા સમયથી પેલેસ્ટીનની સ્વરાજ માટેની ચાહનું ટેકેદાર રહ્યું છે. અમેરિકન બહિષ્કારની અરજો નવી બાબત નથી. ગયા અઠવાડિયે સઉદીએ ટ્‌વીટર પર અમેરિકી રેસ્ટોરાંસનો બહિષ્કાર કરવાની અરજ કરી હતી. ઈઝરાયેલ જેરૂસલેમને પોતાની રાજધાની ગણે છે. જેનો લગભગ આખી દુનિયા વિરોધ કરે છે અને કહે છે કે, આ નિર્ણ પેલેસ્ટીન સાથેની શાંતિ મંત્રણામાં ચર્ચામાં લેવો જોઈએ. જેરૂસલેમ ઈઝરાયેલ-પેલેસ્ટીન સંઘર્ષમાં ચાવીરૂપ છે અને ઘણા અરબ નેતાઓ તથા અન્યોએ રોષમાં પોતાની પ્રતિક્રિયાઓ દર્શાવી છે.