ભોપાલ,તા.૧પ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે ઈન્દોરની સૈફી મસ્જિદના દાઉદી વ્હોરા સમુદાયના ધર્મગુરૂ સૈયદના મુફદ્દલ સૈફુદ્દીન ઉપસ્થિતિમાં યોજાયેલ ધાર્મિક કાર્યક્રમ ‘અશરા મુબારક’માં ભાગ લેવા ઈન્દોર પહોંચ્યા હતા. દોઢ કલાકના આ પ્રવાસ દરમ્યાન આયોજન સ્થળ પર કોઈપણ પ્રકારની અરાજકતા અને શ્રધ્ધાળુઓ વચ્ચે ખોટો સંદેશ ન પહોંચે એ માટે સુરક્ષાના કડક બંદોબસ્ત વચ્ચે પીએમ મોદી ચંપલ વિના સૈફી મસ્જિદ પગપાળા પહોંચ્યા હતા. આ દરમ્યાન સમુદાયના વડાએ મોદીને તાવીજ અને શાલ ઓઢાડી સન્માનિત કર્યા હતા. હુસૈનના ગમમાં પઢવામાં આવતા મરશિયાને તેમણે ધ્યાનથી સાંભળ્યા હતા અને માતમમાં પણ સામેલ થયા હતા. મોદીએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે હજરત ઈમામ હુસેન (ર.અ.) શાંતિ અને ન્યાય માટે શહીદ થયા. ઉલ્લેખનીય છે કે, વર્ષ ર૦૧૧માં ગુજરાતના મુખ્યમંત્રી પદે રહેલ વડાપ્રધાન મોદીએ એક સામાજિક સદભાવનાના કાર્યક્રમમાં એક મૌલાના દ્વારા આપવામાં આવેલ ટોપી પહેરવાનો ઈન્કાર કરી દીધો હતો. જે સામાન્ય લોકોમાં ખૂબ ચર્ચાનો વિષય બન્યો હતો. આ ઘટના બાદ વડાપ્રધાન મોદીની એક વર્ગમાં જબરદસ્ત ટીકા કરવામાં આવી હતી. વડાપ્રધાન મોદીના ઈન્દોર પ્રવાસ દરમ્યાન આયોજન સ્થળ પર કોઈ અરાજકતા કે શ્રધ્ધાળુઓમાં ખોટો સંદેશ ન પહોંચે એ ઉદ્દેશ્યથી સુરક્ષા બળના જવાનોનો ખાખી વર્દીને બદલે ખાદીના કુર્તા પાયજામામાં તૈનાત કરવામાં આવ્યા હતા. ડીઆઈજી હરિનારાયણ ચારી મિશ્રાએ જણાવ્યું કે આયોજનમાં ભાગ લેનાર ધર્માવલંબીઓએ કુર્તા પાયજામા પહેર્યા હતા. પોલીસ જવાનોને પણ આ જ ડ્રેસ એટલા માટે પહેરાવામાં આવ્યો જેથી શ્રધ્ધાળુઓ વચ્ચે ખોટો ભ્રમ ઉભો થાય નહીં સૂત્રો મુજબ પોલીસ જવાનોને આ કુર્તા પાયજામા આયોજકો તરફથી આપવામાં આવ્યા હતા.