અમદાવાદ, તા.૨૫
સૌરાષ્ટ્ર અને કોંગ્રેસના સૌથી દિગ્ગજ નેતા ઇન્દ્રનીલ રાજગુરૂએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. છેલ્લા કેટલાય સમયથી પક્ષથી નારાજ હોવાના કારણે તેમણે રાજીનામું આપ્યું હોવાની વિગત સામે આવી હતી. જો કે, આ સમયે તેમણે કહેલું કે, શક્તિસિંહ ગોહિલે મને રાજીનામું આપતા રોક્યા હતા. ઈન્દ્રનીલ રાજગુરૂના રાજીનામાથી રાજકારણમાં એવી અટકળો વહેતી થઇ હતી કે, ઈન્દ્રનીલ હવે ભાજપમાં જોડાશે. જો કે, તેમણે આ વાતને રદિયો આપતા ભાજપમાં જોડાવાના હોવાની અટકળો પર પૂર્ણવિરામ મુકી દીધું હતું. ઉલ્લેખનીય છે કે, ગત વિધાનસભાની ચૂંટણીમાં ઇન્દ્રનીલ રાજગુરૂ રાજકોટ પશ્ચિમ બેઠક પરથી મુખ્યપ્રધાન વિજય રૂપાણી સામે મેદાનમાં ઉતર્યા હતા, પરંતુ મુખ્યપ્રધાન રૂપાણી સામે તેમનો પરાજય થયો હતો. ઇન્દ્રનીલ ઉપરાંત સૌરાષ્ટ્રમાં કોંગ્રેસના અનેક નેતાઓએ અસંતોષ વ્યક્ત કર્યો છે. ઇન્દ્રનીલ રાજગુરૂ પહેલાં જસદણના ધારાસભ્ય કુંવરજી બાવળિયા, વાંકાનેરના ધારાસભ્ય મોહમ્મદ જાવીદ પીરજાદા તેમજ ખંભાળિયાના ધારાસભ્ય વિક્રમ માડમ નારાજગી વ્યક્ત કરી ચૂક્યા છે. લોકસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસનો આંતરિક વિખવાદ સામે આવ્યો છે. રાજકોટમાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજગુરૂએ પક્ષમાંથી રાજીનામું આપી દેતા કોંગ્રેસને ફટકો પડ્યો છે.