(સંવાદદાતા દ્વારા) અમદાવાદ,તા.૪
કુંવરજી બાવળિયાએ ભાજપનો ખેસ ધારણ કરતા રાજકોટ જિલ્લા કોંગ્રેસમાં શૂન્યાવકાશ જેવી પરિસ્થિતિ ઉભી થઈ છે. આથી તાજેતરમાં જ કોંગ્રેસમાંથી રાજીનામું આપી ચૂકેલા પૂર્વ ધારાસભ્ય અને રાજકોટના મજબૂત નેતા ઈન્દ્રનિલ રાજગુરૂને કોંગ્રેસમાં પુનઃ લાવવા કાર્યકરોની માગ ઉઠી છે. ઈન્દ્રનિલ રાજયગુરૂને મુખ્ય વાંધો કુંવરજી બાવળિયા સામે હતો પરંતુ આ કાંટો દૂર થઈ જતા કોંગ્રેસમાં પુનઃ પરત ફરવાનો તેમનો રસ્તો સાફ થઈ ગયો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી જયાંથી ગુજરાતનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે તે રાજકોટમાં કોંગ્રેસ હાલ નેતા વિહોણી બની ગઈ છે. સૌ પ્રથમ કોંગ્રેસના કદાવર નેતા અને મુખ્યમંત્રી સામે ચાલીને ચૂંટણી લડવાનો પડકાર ઉઠાવનાર ઈન્દ્રનિલ રાજગુરૂએ કુંવરજી બાવળિયા સાથેના અણબનાવને લઈ કોંગ્રેસમાંથી રાજીનામું ધરી દીધું હતું. ત્યાર બાદ ધારાસભ્ય કુંવરજી બાવળિયા પણ કોંગ્રેસને અલવિદા કરી ભાજપમાં જોડાઈ જતા રાજકોટ કોંગ્રેસ નેતા વિહોણી બની ગઈ છે. રાજકોટ કોંગ્રેસમાં સર્જાયેલા શૂન્યાવકાશ બાદ કોંગ્રેસના કાર્યકરોમાં ઈન્દ્રનિલ રાજગુરૂને પુનઃ કોંગ્રેસમાં લાવવા સળવળાટ શરૂ થઈ ગયો છે જો ઈન્દ્રનિલ રાજગુરૂ કોંગ્રેસમાં પરત આવવા માગતા ન હોય તો વશરામ સાગઠિયાને પણ આગળ કરવા કોંગ્રેસના કાર્યકરો તૈયાર છે. પરંતુ પ્રથમ પસંદગી ઈન્દ્રનિલ રાજગુરૂની છે જો કે હાલ ઈન્દ્રનિલ રાજગુરૂ વિદેશ પ્રવાસે હોવાથી પરત ફર્યા બાદ તેમને મનાવવાના પ્રયાસો કરવામાં આવે તેવી શકયતા છે અને જાણવા મળ્યા મુજબ ઈન્દ્રનિલ રાજગુરૂ માની પણ જાય તેવી શકયતા છે, કારણ કે તેમને મુખ્યવાંધો કુંવરજી બાવળિયા સામે હતો જે કાંટો હવે દૂર થઈ જતા તેમની રાહ આસાન બની છે.