(એજન્સી) તા.૧૬
એક ઓસ્ટ્રેલિયન ટીનેજરે શનિવારે દેશના વિવાદાસ્પદ સેનેટર ફ્રેઝર એનિંગ પર ઈંડાથી હુમલો કર્યો હતો. ફ્રેઝર જ્યારે એક પત્રકાર પરિષદમાં ન્યૂઝીલેન્ડના ક્રાઈસ્ટચર્ચમાં થયેલા આતંકવાદી હુમલાને યોગ્ય ઠેરવવાનો પ્રયત્ન કરી રહ્યા હતા, ત્યારે તેમને ઈંડું મારવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, શુક્રવારે ક્રાઈસ્ટચર્ચની બે મસ્જિદોમાં થયેલા આતંકવાદી હુમલામાં ૪૯ મુસ્લિમો શહીદ થયા હતા. સેનેટર ફ્રેઝર એનિંગ જ્યારે પત્રકારો સાથે વાતચીત કરી રહ્યા હતા, ત્યારે એક યુવકે અચાનક તેમના માથા પર ઈંડું ફોડ્યું હતું. ગુસ્સામાં આવેલા સેનેટરે તે યુવકને લાફો મારી દીધો હતો. ત્યારબાદ ઘટનાસ્થળે હાજર પોલીસ કર્મીઓએ યુવકને અટકાયતમાં લીધો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, ક્રાઈસ્ટચર્ચમાં થયેલા આતંકવાદી હુમલા પર પ્રતિક્રિયા આપતા ફ્રેઝરે કહ્યું હતું કે, “આ પ્રકારની હિંસક ઘટનાઓને ક્યારેય પણ યોગ્ય ઠેરવી ન શકાય, પરંતુ આવી ઘટનાઓ એ ભયને દર્શાવે છે. ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયામાં સતત વધતી જતી મુસ્લિમ વસ્તીના કારણે અમારા સમાજમાં ફેલાઈ રહ્યું છે.” ફ્રેઝરના આ નિવેદનની સોશિયલ મીડિયામાં તીવ્ર નિંદા થઈ રહી છે. ઓસ્ટ્રેલિયાના પૂર્વ વડાપ્રધાન માલ્કોમ ટર્નબુલે કહ્યું હતું કે, “ફ્રેઝર એનિંગની ટિપ્પણી નિરાશાજનક છે, તે સેનેટ માટે અપમાનજનક છે અને તે નફરત ફેલાવવા અને ઓસ્ટ્રેલિયનોને એકબીજા વિરૂદ્ધ ઉશ્કેરવા કરતા પણ વધારે ખરાબ છે, તે એ જ કરી રહ્યો છે, જે આતંકવાદીઓ ઈચ્છે છે.”