(એજન્સી) શ્રીનગર, તા. ૨૩
જમ્મુની આંતરરાષ્ટ્રીય સરહદે યુદ્ધ જેવી સ્થિતિ ઉદ્‌ભવી હોય તેમ પાકિસ્તાની દળો દ્વારા નવેસરના ફાયરિંગને કારણે સરહદી ગામોના પાંચ નાગરિકોનાં મોત થયા છે જેના કારણે હજારો લોકોએ સલામત સ્થળે સ્થળાંતર કરવાની ફરજ પડી રહી છે. પાકિસ્તાનના નવા હુમલાને પગલે રાજ્ય સરકારે હીરાનગર, સાંબા, અરણિયા અને આરએસપુરાની શાળાઓને મોર્ટારને કારણે નુકસાન થયું હોવાથી તેને બંધ રાખવાનો આદેશ આપ્યો છે. જમ્મુના અધિકારીઓએ જણાવ્યું હતું કે, પાકિસ્તાની સેના બીએસએફની ૪૦ ચોકીઓ ઉપરાંત નાગરિકોની વસાહતો પર પણ હુમલા કરી રહી છે જેના કારણે મોટી હાનિ થઇ રહી છે. જમ્મુના પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, પાકિસ્તાની રેન્જર્સ મંગળવાર રાતથી આડેધડ ઓટોમેટિક હથિયારો અને મોર્ટારનો બેફામ મારો ચલાવી રહ્યા છે જેમાં સાંબા સેક્ટરના રામગઢ ગામના લોકો ભોગ બન્યા છે. જોકે, બીએસએફના જવાનો દ્વારા તેમને સુરક્ષિત બહાર કઢાયા હતા. મોતને ભેટનારાઓમાં હીરાનગરના ૫૫ વર્ષીય રામપાલ શર્મા અને આરએસપુરાના રઘુવીરસિંહને સમાવેશ થાય છે. મોતને ભેટનારાઓ અન્યોની ઓળખ મોડે સુધી થઇ શકી નહોતી.
બુધવારે સતત ત્રીજા દિવસે પાકિસ્તાની સેના દ્વારા આંતરરાષ્ટ્રીય સરહદે ફરીવાર ફાયરિંગ અને મોર્ટારમારાને કારણે આઠ વર્ષના બાળક અને એક મહિલા સહિત ચાર નાગરિકોના મોત થયા છે જ્યારે ૩૦થી વધુ ઘવાયા હતા. કાશ્મીર ખીણના અનંતનાગ જિલ્લામાં એક ગ્રેનેડ હુમલામાં પણ ૧૦ નાગરિકો ઘવાયા હોવાના અહેવાલ મળ્યા હતા. જમ્મુ-કાશ્મીરના ડીજીપી એસપી વૈદ્યે જણાવ્યું હતું કે, કઠુઆમાં આવેલી જમ્મુ આંતરરાષ્ટ્રીય સરહદથી અખનૂર સરહદ સુધી પાકિસ્તાની સેના દ્વારા આખી રાત ફાયરિંગ અને મોર્ટારમારો કરાયો હતો જેના કારણે ચાર લોકોનાં મોત થયા હતા જ્યારે ૩૦થી વધુ લોકો ઘવાયા છે. પાકિસ્તાની સેના દ્વારા ફાયરિંગ અને મોર્ટારમારો સવારે પાંચ કલાકે શરૂ કરાયો હતો જેમાં પાંચ બીએસએફના જવાનોને પણ ઇજાઓ થઇ હતી. આ દરમિયાન પાકિસ્તાનના સતત હુમલાને કારણે સરહદે રહેતા ગામવાસીઓને સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી કરવામાં આવી હતી જેમાં ૪૦,૦૦૦ લોકોનું સ્થળાંતર કરાવવામાં આવ્યું છે. એક અધિકારીએ કહ્યું હતું કે, પાકિસ્તાની રેન્જર્સ દ્વારા જમ્મુ, સાંબા અને કઠુઆ જિલ્લાઓના આરએસપુરા, રામગઢ, સાંબા અને હીરાનગરમાં ભારે ફાયરિંગ અને મોર્ટારમારો કરાયો હતો. અધિકારીએ એમ પણ જણાવ્યું હતું કે, બીએસએફે પણ પાકિસ્તાની ફાયરિંગનો જડબાતોડ જવાબ આપ્યો હતો અને તેની ઘણી ચોકીઓને નષ્ટ કરી નાખી છે. છેલ્લા એક અઠવાડિયામાં પાકિસ્તાન દ્વારા આ નવા યુદ્ધવિરામ ઉલ્લંઘન દરમિયાન કુલ મોતને આંકડો ૧૦ પર પહોંચ્યો છે જેમાં બે બીએસએસએફ જવાનોનો સમાવેશ થાય છે.

 

બિજબેહરામાં ઉગ્રવાદીઓ દ્વારા ગ્રેનેડ હુમલામાં ૧૦ નાગરિકો ઘાયલ
કાશ્મીરમાં પાકિસ્તાન દ્વારા ફાયરિંગ બાદ રાજ્યની અંદર પણ નાગરિકો સુરક્ષિત નથી. અનંતનાગના બિજબેહરામાં ઉગ્રવાદીઓ દ્વારા ગ્રેનેડ હુમલો કરાતા ૧૦ નાગરિકો ઘાયલ થયા હતા. પોલીસના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, બિજબેહરાના ગોરિવાન ચોકમાં આ હુમલો કરાયો હતો જેમાં ૧૦ નાગરિકો ઘાયલ થયા હતા અને તેમાં ૧૨ વર્ષના બાળકનો પણ સમાવેશ થાય છે. ઘવાયેલા ચારને વધુ સારવાર માટે શ્રીનગરની હોસ્પિટલોમાં મોકલાયા હતા.