(એજન્સી) વોશિંગ્ટન, તા.૬
અમેરિકામાં ૬ નવેમ્બરે અમેરિકી કોંગ્રેસ અથવા પ્રતિનિધિ સભા અને સિનેટની કેટલીક બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે. આ ચૂંટણીની હરિફાઈમાં અમેરિકાની પ્રતિનિધિ સભા માટે સૌથી વધુ ભારતીય મૂળના કુલ ૧ર ઉમેદવાર પોતાની કિસ્મત ચમકાવવાની તૈયારી કરી રહ્યા છે. તેમાં સૌથી મુખ્ય એરિજોના પ્રાંતમાં હીરલ તિપિર્નેની ડિસ્ટ્રિક્ટ આઠમાંથી ડેમોક્રેટિક પાર્ટીની ઉમેદવાર છે. જે રિપબ્લિકન પાર્ટીના હાલના સાંસદ ડેબી સેલ્કોને ટક્કર આપી રહી છે. એરિજોના પ્રાંતને રિપબ્લિકન પાર્ટીનો ગઢ માનવમાં આવે છે, ત્યારે હીરલ તિપિર્નેની જણાવે છે કે, હજુ પણ એરિજોનામાં એવું ખૂબ જ ઓછું જોવા મળે છે કે ભારતીય મૂળના લોકો ચૂંટણી લડે… પરંતુ અમે રિપલ્બિકન પાર્ટીને આટલા વર્ષોમાં ના આપવામાં આવેલી ટક્કર આપવાના છીએ. આ જ રીતે ભારતીય મૂળની અનિતા મલિક પણ એરિજોનાના ડિસ્ટ્રીકટ આઠમાંથી ડેમોક્રેટીક પાર્ટીના ઉમેદવાર છે. તેમની હરિફાઈ રિપબ્લિકન પાર્ટીના હાલના સાંસદ ડેવિડ શ્વાયકાર્ટની સાથે છે. અનિતા મલિક જણાવે છે કે, એરિજોનામાં ઘણા લોકો રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની નીતિઓથી નારાજ થઈને ડેમોક્રેટિક પાર્ટીને મત આપવા ઈચ્છે છે. ભારતીય મૂળની હાલની કોંગ્રેસ પાર્ટીની સભ્ય ડેમોક્રેટીક પાર્ટીની પ્રમિલા જયપાલ વોશિંગ્ટન પ્રાંતમાંથી ફરી એકવાર ચૂંટણી લડી રહી છે. આ ઉપરાંત કેલિફોર્નિયામાંથી હાલના કોંગ્રેસ સભ્ય ડેમોક્રેટિક પાર્ટીના રો ખન્ના અને અમી બેરા ફરીથી ચૂંટણી લડી રહ્યા છે. ઈલિનાય પ્રાંતમાંથી હાલ કોંગ્રેસમાં ડેમોક્રેટીક પાર્ટીના સભ્ય રાજા કૃષ્ણમૂર્તિ પણ ફરીથી મેદાનમાં આવી ગયા છે, જ્યાં તેમના હરીફ રિપલ્બિકન પાર્ટીના ભારતીય મૂળના જ જીતેન્દ્ર દિગાંકર છે. આ ઉપરાંત ભારતીય મૂળના અમેરિકી પ્રેસ્ટન કુલકર્ણીએ અમેરિકી વિદેશ સેવાની નોકરી છોડીને રાજકારણમાં પ્રવેશી ટેકસાસથી કોંગ્રેસ માટે ડેમોક્રેટીક પાર્ટીના ઉમેદવાર તરીકે ચૂંટણી લડવાનું નક્કી કર્યું છે. ફલોરિડામાં સંજય પટેલ ડેમોક્રેટીક પાર્ટીના ઉમેદવાર છે, જે હાલના કોંગ્રેસ સભ્ય બિલ પોસીની વિરૂદ્ધ મેદાનમાં છે. કનેક્ટીકટ પ્રાંતમાં એક માત્ર ભારતીય મૂળના રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર હૈરી અરોડા ડેમોક્રેટ જિમ હાઈમ્સની વિરૂદ્ધ લડી રહ્યા છે. એક માત્ર ભારતીય મૂળના આઝાદ ઉમેદવાર શિવા અય્યાદુરાઈ પણ સીનેટની બેઠક માટે મૈસાચુસેટ્‌સ પ્રાંતમાં ચૂંટણીના મેદાનમાં છે અને તેમની સામે ડેમોક્રેટિક પાર્ટીના દિગ્ગજ નેતા અને હાલના સિનેટર એલિઝાબેથ વોરેન ચૂંટણી લડી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, અમેરિકી ચૂંટણી ઉપરાંત ભારતીય મૂળના ડઝનેક લોકો પ્રાંતિય અને સ્થાનિક ચૂંટણીઓમાં પણ ભાગ લઈ રહ્યા છે.