(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૨૧
શહેરના પાંડેસરા વિસ્તારમાં સાંઇ પોલી ક્લીનિકમાં આજે સવારે સારવાર માટે આવેલ દર્દીને નર્સે ઇન્જેકશન આપતાની સાથે મોત નિપજ્યા હોવાની આશંકા સાથે સંબંધીઓમાં આક્રોશ વ્યાપી ગયો હતો. ટોળા દ્વારા તોડફોડ કરીને હંગામો મચાવતા પોલીસ બોલાવવાની ફરજ પડી હતી.
પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના પાંડેસરા ગુજરાત હાઉસિંગ બોર્ડ ખાતે આજે સવારે સાંઈ પોલી ક્લીનિકમાં પેટમાં દુઃખાવાની ફરિયાદ સાથે દર્દીને લાવવામાં આવ્યો હતો. પાંડેસરા વિસતનગરમાં રહેતા ૩૬ વર્ષીય મહેશ ભુરાપ્રસાદ વર્માને નર્સ દ્વારા ઈન્જેક્શન આપીને સંબંધીઓને કહ્યું કે, ૧૦૮ દ્વારા દર્દીને બીજી હોસ્પિટલમાં લઈ જાઓ. ૧૦૮ આવે તે પહેલા તો દર્દીનું મોત નિપજ્યું હતું. પરિવારજનો દ્વારા એવો આક્ષેપ કરવામાં આવ્યો કે, નર્સ દ્વારા ઈન્જેક્શન આપતાની સાથે જ મહેશ વર્માનું મોત નિપજ્યું. આ આક્ષેપથી સંબંધીઓ અને પાડોશીઓનું ટોળુ જમા થઈ ઉશ્કેરાટમાં આવી ગયા હતા. ટોળા દ્વારા હોસ્પિટલનાં મેઈનગેટનો તોડફોડ પણ કરી હતી. આવેશમાં આવેલ ટોળુ સાંઈ પોલી ક્લીનિકના મેડિકલ ડિરેક્ટર અને કોર્પોરેટર ડૉ. વાનખેડેને બોલાવવા માંગતા હતા. ડૉ. વાનખેડે દ્વારા પરિસ્થિતિની ગંભીરતા સમજી પોલીસને સ્થળ પર બોલાવી લેતા પોલીસ ડૉ. વાનખેડે અને નર્સને લઈને પાંડેસરા પોલીસ મથકે પહોંચી હતી. પોલીસે મૃતક મહેશ ભૂરાપ્રસાદ વર્માના મૃતદેહનું પંચનામું કરી પરિવારના આક્ષેપ મુજબ તેનું પોસ્ટમોર્ટમ કરવાની કાર્યવાહી હાથ ધરી છે. પીએમ રિપોર્ટ બાદ મોતનું સાચુ કારણ જાણવા મળશે.