અમદાવાદ, તા.૬
આંતરરાષ્ટ્રીય ક્રૂડના ભાવમાં આગઝરતી તેજી જોવા મળી છે. માગમાં ઉછાળો નોંધાતાં ક્રૂડમાં એક ટકાની તેજી જોવા મળી છે, જેના પગલે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ ૬૨ ડોલર પ્રતિબેરલની સપાટીને પાર થઇ ગયા છે. દરમ્યાન રૂપિયામાં પણ નરમાઇની ચાલના પગલે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સુધારો નોંધાતો જોવા મળ્યો છે. નોંધનીય છે કે આજે શહેરમાં પેટ્રોલના ભાવ રૂા. ૬૮.૪૮ના મથાળે જોવા મળ્યા હતા, જ્યારે ડીઝલના ભાવ વધીને ૬૧.૮૬ની સપાટીએ જોવા મળ્યા હતા. જાણકારોના જણાવ્યા પ્રમાણે આગામી ૩૦ નવેમ્બરે નોન ઓપેક દેશોની એક બેઠક મળી રહી છે, જેમાં ક્રૂડના ઉત્પાદન ઉપર કાપ મૂકાઇ શકે છે તેવા સેન્ટીમેન્ટ પાછળ આંતરરાષ્ટ્રીય ક્રૂડના ભાવમાં તેજીની ચાલ નોંધાતી જોવા મળી હતી. જાણકારોના જણાવ્યા પ્રમાણે એકબાજુ ઉત્પાદનમાં ઘટાડો થાય તેવી શક્યતા છે તો બીજી બાજુ શિયાળાના પગલે વૈશ્વિક બજારમાં માગ વધી છે, જેના પગલે ક્રૂડમાં તેજી નોંધાઇ છે.