નવી દિલ્હી, તા.૨૭

મોદી સરકારની નોટબંધી સામે વિરોધ નોંધાવતાં બસપાનાં રાષ્ટ્રીય વડાં માયાવતીએ  એવી માગણી કરી છે કે, છેલ્લા દસ મહિના દરમિયાન વિવિધ બૅન્કોમાં મુકાયેલી મોટી રકમોની તપાસ કરવી જોઈએ. ઉત્તર પ્રદેશનાં પૂર્વ મુખ્યમંત્રી માયાવતીએ વધુમાં એમ પણ કહ્યું કે, ઉત્તર પ્રદેશમાં ભાજપની સૌથી માઠી દશા છે, અને આગામી સમયમાં અહીં વિધાનસભાની ચૂંટણીઓ યોજાનાર છે, તેવા તબક્કે પ્રજાનું ધ્યાન અન્યત્ર દોરવા માટે આ નોટબંધી લાદવામાં આવી છે. આગામી ચૂંટણીમાં બસપા જ ભાજપને માટે ભારે પડે તેવો પક્ષ છે, એમ તેમણે કહ્યું. છેલ્લા દસ મહિનાના ગાળા દરમિયાન બૅન્કોમાં જમા કરાવાયેલાં મોટી રકમનાં નાણાની તપાસ કરાવવી જોઈએ. ભાજપે નોટબંધીનો નિર્ણય પૂરેપૂરો રાજકીય લાભ ખાટવા માટે જ લીધો છે, એમ માયાવતીએ કહ્યું.  શનિવારે બહુજન સમાજ પાર્ટીના કાર્યાલય ખાતે પત્રકારો સાથેની વાતચીત દરમિયાન માયાવતીએ કહ્યું કે, દેશમાં ૯૦ ટકા કરતાં વધારે લોકોને નોટબંધીના પગલે ભારે મુસીબતોનો સામનો કરવો પડી રહ્યો છે, જ્યારે વડાપ્રધાન મગરનાં આંસુ સારી રહ્યા છે અને સામાન્ય માણસની ભાવનાઓ સાથે રમત રમી રહ્યા છે. હવે પોતાનો ખોટો નિર્ણય સાચો સાબિત કરવા માટે વડાપ્રધાન ભાવનાત્મક બનીને જાહેરમાં રડી રહ્યા છે. આ બ્લેકમેઇલ નહીં તો બીજું શું, એમ તેમણે કહ્યું. મોટા બિઝનેસમેનોને પોતાના કાળા ધનને સગેવગે કરવામાં મદદરૂપ થયાનો તેમણે ભાજપ પર આરોપ મૂક્યો, અને નોટબંધી બાદની દેશની પરિસ્થિતિને આર્થિક કટોકટી તરીકે ગણાવી.  પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીઓ આવી રહી છે ત્યારે મોદી સરકારે અગાઉની ચૂંટણીમાં આપેલાં વચનોની બાબતમાં પોતાની નિષ્ફળતામાંથી પ્રજાનું ધ્યાન અન્યત્ર ખસેડવા માટે આ નિર્ણય લીધો છે.  પોતે આપેલાં વાયદાઓ પૈકીના એક-ચતુર્થાંશ વાયદા તો અઢી વર્ષના શાસનમાં પૂરા જ થયા નથી તેથી મોદી સરકાર હબક ખાઈ ગઈ છે, એમ તેમણે કહ્યું.  નોટબંધી પહેલાં જ બિહારમાં ભાજપે કરોડોની જમીનો ખરીદી લીધી હતી અને દિલ્હીમાં બિલ્ડરોને ઑફિસો બાંધવા માટે નાણા આપ્યાં હતાં, એમ માયાવતીએ કહ્યું. તેમણે કહ્યું કે, મોદી કહે છે કે, મેં દેશ માટે પરિવારને છોડ્યો છે, આ એક સારી બાબત છે, પરંતુ જ્યારે સો-સો માણસોેનાં એક અરાજકતામાં મોત નીપજે ત્યારે તમે લોકોનાં હિત સાથે ખિલવાડ ન કરી શકો. સરકારે તેમને કોઈ આર્થિક સહાય આપી નથી.