કરાચી, તા.ર૬
પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર કપ્તાન ઈન્ઝમામ-ઉલ-હકે કહ્યું છે કે તે રાહ જોઈ રહ્યો છે કે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધારે રન બનાવવાનો સચિનના રેકોર્ડને કયો બેટસમેન તોડે છે. સચિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ૬૬૪ મેચોમાં કુલ ૩૪૩પ૭ રન બનાવ્યા છે. સચિને પોતાની કારકિર્દીમાં ર૦૦ ટેસ્ટ મેચ અને ૪૬૩ વન-ડે ઉપરાંત એક ટી-ર૦ આંતરરાષ્ટ્રીય મેચ પણ રમી હતી. ઈન્ઝમામે કહ્યું કે તેમણે સચિન જેવો ક્રિકેટર ક્યારેય જોયો નથી. સચિન વન-ડેમાં બેવડી સદી બનાવનાર પ્રથમ ખેલાડી હતો. ઈન્ઝમામે સચિનની પ્રશંસા કરતા કહ્યું કે સચિન એવરગ્રેટ ક્રિકેટર છે. પોતાની યુ-ટ્‌યુબ ચેનલ પર ઈન્ઝમામે કહ્યું કે તેમનો જન્મ ક્રિકેટ માટે જ થયો. સચિન વિશે એ જ કહી શકાય કે ક્રિકેટમાં જ તેનો વિશ્વાસ હતો અને બંને એકબીજા માટે બન્યા હતા.
ઈન્ઝમામે સચિનને મહાન ગણાવતા તેની ચાર વિશેષતાઓ વિશે કહ્યું કે તે વિશ્વના કોઈપણ બેસ્ટ બોલરને રમી શકતો હતો. મને આજે પણ આશ્ચર્ય થાય છે કે ૧૬-૧૭ વર્ષની ઉંમરમાં જ સચિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કર્યું. ઈન્ઝમામને સચિનની બીજી મોટી ક્વોલિટી લાગે છે સતત રન બનાવવા અને રેકોર્ડ તોડવો. તેમણે કહ્યું કે સચિનની બીજી કવોલિટી તેના રેકોર્ડ છે. તે દાયકામાં આટલા રન બનાવવાની પરંપરા ન હતી. ઈન્ઝમામે કહ્યું સચિનની સૌથી મોટી તાકાત તેની માનસિક મજબૂતી હતી. સચિન જેવી ફેન ફોલોઈંગ કોઈ અન્ય ખેલાડીની જોઈ નથી. તેમણે કહ્યું તે એટલો જૂનિયર ક્રિકેટર હતો કે લેગ સ્પિન, ઓફ સ્પિન અને મીડિયમ પેસ દરેક પ્રકારની બોલિંગ કરી શકતો હતો. મને નથી લાગતું કે સચિન જેવો બીજો કોઈ ખેલાડી હશે.