કરાંચી,તા.૧૯
પૂર્વ પાકિસ્તાની કેપ્ટન ઈન્ઝમામ ઉલ હકે વેસ્ટ ઇન્ડિઝના પૂર્વ ક્રિકેટર સર વિવિયન રિચાર્ડસ, શ્રીલંકાના સનથ જયસૂર્યા અને દક્ષિણ આફ્રિકાના એબી ડિવિલિયર્સના વખાણ કર્યા છે. ઈન્ઝમામે કહ્યું કે, “ઘણા વર્ષો પહેલા રિચાર્ડસે ક્રિકેટને બદલવાની શરૂઆત કરી હતી. તે સમયે બેટ્‌સમેન ફાસ્ટ બોલર્સને બેકફૂટ પર રમતા હતા. જોકે તેમણે શીખવાડ્યું કે ફાસ્ટ બોલર્સને ફ્રંટફુટ પર કઈ રીતે રમાય છે. તેમણે બધાને બતાવ્યું કે ફાસ્ટ બોલર્સ સામે પણ આક્રમકતાથી રમી શકાય છે.
ઈન્ઝમામે જયસૂર્યા અંગે કહ્યું કે, “બીજો બદલાવ જયસૂર્યા લાવ્યો. તેણે ઇનિંગ્સની પહેલી ૧૫ ઓવરમાં ફાસ્ટ બોલર્સ પર દબાણ લાવવાનો નિર્ણય કર્યો હતો. તેની પહેલે બેટ્‌સમેન હવામાં શોટ રમવામાં માનતા નહોતા. જોકે તેણે પહેલી ૧૫ ઓવરમાં ઈનફિલ્ડની ઉપરથી શોટ રમીને બેટિંગની પરિભાષા બદલી નાખી હતી.
પૂર્વ પાકિસ્તાની કપ્તાને ડિવિલિયર્સ અંગે કહ્યું કે, “ત્રીજો ખેલાડી જેણે ક્રિકેટ રમવાની રીત બદલી નાખી તે ડિવિલિયર્સ છે. આજના સમયમાં વનડે અને ટી-૨૦માં ઝડપી ક્રિકેટ રમાતું હોય તો તેનું કારણ ડિવિલિયર્સ છે. પહેલા બેટ્‌સમેન સીધા બેટથી શોટ્‌સ રમતા હતા, પરંતુ ડિવિલિયર્સે પેડલ સ્વીપ અને રિવર્સ સ્વીપ લગાવવાની શરૂઆત કરી હતી.”