નવી દિલ્હી, તા.૮
ઈન્ડિયન પ્રીમિયર લીગ પોતાના નિયત શિડ્યુલ પર ન થવાના કારણે ભારતીય ક્રિકેટર્સની કમાણી પર સીધી અસર પડી શકે છે. આ ટૂર્નામેન્ટ પહેલા ૨૯ માર્ચે શરૂ થવાની હતી, જેને કોરોના વાયરસની મહામારીના કારણે હાલમાં તેને ૧૫ એપ્રિલ સુધી સ્થગિત કરી દેવામાં આવી છે. પરંતુ દેશમાં કોવિડ-૧૯ની હાલની સ્થિતિને જોતા એવું લાગી રહ્યું છે કે મે મહિનાના અંત પહેલા આ ટૂર્નામેન્ટના રમાવાની કોઈ સંભાવના નથી.
બીસીસીઆઈના સૂત્રોનું કહેવું છે કે IPL નહીં થવા પર અને ઈન્ટરનેશનલ ક્રિકેટ સસ્પેન્ડ રહેવાથી બોર્ડને લગભગ ૨ હજાર કરોડનું નુકસાન થવાનો અંદાજ છે. આ આર્થિક નુકસાનને ખેલાડીઓમાં વહેંચવું મજબૂરી બની જાય છે.બીસીસીઆઈનું રેવન્યૂ અને પેમેન્ટનું માળખું કંઈ આ પ્રકારનું છે કે, કમાણીનો લગભગ ૨૬ ટકા હિસ્સો ખેલાડીઓને જાય છે. તેમાં ઈન્ટરનેશનલ ક્રિકેટરોને લગભગ ૧૩ ટકા મળે છે. બાકીનો ભાગ ડોમેસ્ટીક ક્રિકેટર્સ અને જૂનિયર ખેલાડીઓમાં વહેંચાય છે.એક અધિકારીએ કહ્યું, સ્પષ્ટ છે કે ઓર્ગેનાઈઝેશનને આર્થિક નુકસાન થશે તો કર્મચારીઓના પગાર પર પણ તેની અસર પડશે. પે કટ એક સંભાવના છે.