મુંબઈ,તા.૬
આઈપીએલ-૧૪ માટે બે નવી ટીમને સામેલ કરવા અંગે બીસીસીઆઈમાં એકમત નથી. અધ્યક્ષ સૌરવ ગાંગુલી અને સચિવ જય શાહ સહિત કેટલાક ટોચના અધિકારી ટીમોને સામેલ કરવા માગે છે, જ્યારે બીજા કેટલાકને શંકા છે. ૨૪ ડિસેમ્બરે મળનારી એજીએમમાં અંતિમ નિર્ણય લેવાશે. બીસીસીઆઈના એક અધિકારીએ જણાવ્યું કે, ‘નવી ટીમને સામેલ કરવા માટે સમય ઘણો ઓછો છે. આટલા ટૂંકા ગાળામાં ટેન્ડર, ખેલાડીઓની હરાજી વગેરે મુશ્કેલ છે.
ટીમ સાથે સંકળાયેલા તમામ સ્ટેકહોલ્ડરને આટલા ઓછા સમયમાં એક પ્લેટફોર્મ પર ભેગા કરવા મુશ્કેલ છે. અમારું માનવું છે કે, નવી ટીમ આઈપીએલ ૨૦૨૨ માટે જોડવી જોઈએ. લીગની ૧૪મી સિઝન એપ્રિલમાં શરૂ થશે. જુના અધિકારી પણ ૨૦૨૨ પહેલા નવી ટીમ જોડવાના આઈડિયા સાથે સહમત નથી. અધિકારીએ કહ્યું કે, ‘બ્રોડકાસ્ટ ડીલ આઈપીએલ-૨૦૨૧ પછી સમાપ્ત થઈ જશે. ત્યાર પછી ટીમને જોડવાથી બ્રોડકાસ્ટિંગ રાઈટ્સ અને અન્ય કોમર્શિયલ પાર્ટનરશિપથી થતી રકમ પણ આપમેળે વધી જશે.
બીજા અધિકારીએ કહ્યું કે, ૮ના સ્થાને ૧૦ ટીમ થવાથી ૯૪ મેચ થશે. જો બીસીસીઆઈની એજીએમમાં નવી ટીમ ઉમેરવાનો નિર્ણય લેવાશે તો એક ફ્રેન્ચાઈઝી અમદાવાદની હશે. બીજી ટીમ લખનઉ કે કાનપુરની હશે. પુણે પણ રેસમાં છે. રિપોટ્ર્સ મુજબ ૯મી ટીમ અદાણી કે સંજીવ ગોયન્કા ગ્રુપઆરપીએસજીની હોઈ શકે છે.
Recent Comments