મુંબઇ, તા. ૨૬
મુંબઇના વાનખેડે સ્ટેડિયમ ખાતે આવતીકાલે ઇન્ડિયન પ્રિમિયર લીગ-૧૧ની હાઇ પ્રોફાઇલ અને હાઇવોલ્ટેજ ફાઇનલ મેચ રમાનાર છે. આ મેચને લઇને મુંબઇ અને દેશભરમાં ભારે ઉત્સુકતા દેખાઇ રહી છે. પ્રથમ ક્વાલિફાયર મેચમાં ચેન્નાઇ સુપર કિંગ્સની સામે હારી ગયા બાદ હવે ફાઇનલમાં બદલો લેવા માટે સનરાઇઝ હૈદરાબાદની ટીમ સજ્જ દેખાઇ રહી છે. ચેન્નાઇના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની અને સનરાઇઝ હૈદરાબાદના કેપ્ટન કેન વિલિયમસનની કેપ્ટનશીપની પણ કસોટી થનાર છે. બંને ટીમોમાંથી કોણ જીતશે તેને લઇને કોઇ પણ ચાહક કોઇ વાત કરવાની સ્થિતીમાં નથી. લીગ તબક્કામાં ચેન્નાઇ સુપર કિંગ્સે સનરાઇઝ પર બધી મેચમાં જીત મેળવી હતી. જેથી તે હોટફેવરીટ તરીકે મેદાનમાં ઉતરનાર છે. જો કે ચેન્નાઇની ટીમમાં અનેક સ્ટાર ખેલાડી રહેલા છે તે જોતા તેની પાસેથી વધારે આશા રહેલી છે. મેચનુ પ્રસારણ આવતીકાલે સાત વાગ્યાથી કરવામાં આવનાર છે. યજમાન મુંબઇની ટીમ ક્વાલિફાઇંગ કરવામાં નિષ્ફળ રહી છે પરંતુ મુંબઇના ચાહકોમાં અને દેશના ચાહકોમાં કોઇ હતાશા નથી. બે ટોપ ટીમો વચ્ચે જોરદાર ફાઇટ ટુ ફિનિશ જંગ ખેલાય તેવી શક્યતા છે. વિલિયમસનના નેતૃત્વમાં સનરાઇઝ હૈદરાબાદની ટીમે જોરદાર દેખાવ કરીને તમામને ચોંકાવી દીધા છે.

છઠ્ઠીવાર પોઈન્ટ ટેબલની ટોપની બે ટીમો આઈપીએલની ફાઈનલ રમશે

નવી દિલ્હી, તા.ર૬
સનરાઈઝ હૈદરાબાદે કોલકાતા નાઈટ રાઈડર્સને ૧૪ રને હરાવી આઈપીએલની ફાઈનલમાં પ્રવેશ કર્યો છે. જ્યાં તેનો સામનો આવતી કાલે મુંબઈના વાનખેડે સ્ટેડીયમમાં ચેન્નાઈ સુપરકિંગ્સ સાથે થશે. ૧૧ સિઝનમાંથી આ છઠ્ઠીવાર બન્યું છે. જ્યારે ટુર્નામેન્ટની ફાઈનલ પોઈન્ટ ટેબલમાં ટોપ ઉપર રહેનારી બે ટીમો વચ્ચે રમાશે. રોચક વાત એ છે કે ધોનીના નેતૃત્વવાળી ચેન્નાઈની ટીમ ૬માંથી ચાર વખત સામેલ રહી છે ત્યારબાદ મુંબઈની ટીમ ત્રણવાર આવું કરવામાં સફળ રહી છે.

આવું ક્યારે ક્યારે થયું
ર૦૧૧ બેંગ્લોર વિ. ચેન્નાઈ
ર૦૧૩ ચેન્નાઈ વિ. મુંબઈ
ર૦૧૪ પંજાબ વિ. કોલકાતા
ર૦૧પ ચેન્નાઈ વિ. મુંબઈ
ર૦૧૭ મુંબઈ વિ. પૂણે
ર૦૧૮ હૈદરાબાદ-ચેન્નાઈ