(એજન્સી) કોલકત્તા, તા.૧૯
કેન્દ્ર સરકારે પ. બંગાળના ત્રણ આઈ.પી.એસ. અધિકારીઓને આદેશ આપ્યો હતો કે તેઓ કેન્દ્ર સરકાર દ્વારા નિમણૂક કરાયેલ હોદ્દાઓ ઉપર હાજર થાય. કેન્દ્ર સરકારના આદેશ સામે પ. બંગાળની મમતા બેનરજીની સરકારે જાહેરાત કરી હતી કે તેઓ આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકારશે. રાજ્ય સરકારના સચિવાલયે આ નિર્ણયની જાહેરાત કરી હતી, એ પછી મમતા બેનરજીના કાયદાકીય સલાહકાર કલ્યાણ બેનરજીએ પુષ્ટિ આપી હતી. કેન્દ્ર સરકારે ગુરૂવારે પ. બંગાળ સરકારને ત્રણ અધિકારીઓને તાત્કાલિક મુક્ત કરવા આદેશ આપ્યો હતો જેથી તેઓ કેન્દ્ર સરકારની નોકરીમાં જોડાઈ શકે, કેન્દ્ર સરકારે કહ્યું કે એમને પહેલેથી નવી નિમણૂકો આપવામાં આવી છે. અધિકારીઓને શુક્રવારે સાંજે ૫ વાગે હાજર રહેવા જણાવાયું હતું. પ.બંગાળના સચિવ સાથે સંપર્ક કરતા ગૃહમંત્રાલયે કહ્યું કે આઈ.પી.સી. કેડરના નિયમો મુજબ જો કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર વચ્ચે મતભેદ થાય તો એવા પ્રસંગે કેન્દ્ર સરકારનો નિર્ણય ઉપરવટ રહે છે. ગૃહમંત્રાલયે સચિવને કહ્યું કે અધિકારીઓને નવી નિમણૂકો આપી દેવાઈ છે એ માટે એમને તાત્કાલિક રાજ્યની સેવાઓમાંથી મુક્ત કરવામાં આવે. અધિકારી ભોલાનાથ પાંડેની નિમણૂક એસ.પી. તરીકે પોલીસ રિસર્ચ બ્યુરોમાં, પ્રવીણ ત્રિપાઠીની ડી.આઈ.જી. તરીકે સશસ્ત્ર સીમા બળમાં અને રાજીવ મિશ્રાની આઈ.જી તરીકે ઇન્ડો-તિબેટીયન બોર્ડર પોલીસમાં કરવામાં આવી છે. ગયા અઠવાડિયે ભાજપના અધ્યક્ષ નડ્ડા ઉપર થયેલ હુમલામાં અધિકારીઓની ફરજમાં બેદરકારી બદલ ત્રણેય અધિકારીઓને કેન્દ્રની નિમણૂકો ઉપર હાજર થવા નિર્દેશો આપ્યા છે. મમતા બેનરજીએ કેન્દ્રના આ પગલાની ખાસ કરીને ચૂંટણીના થોડા સમય પહેલા લીધેલ પગલાંની ટીકા કરી છે એમણે કહ્યું કે આવા પગલાઓ ફેડરલ માળખાના મૂળભૂત સિદ્ધાંતોની વિરૂદ્ધ છે. આ પગલાઓ ગેરબંધારણીય છે એ માટે અસ્વીકાર્ય છે.