Ahmedabad

સોહરાબુદ્દીન એન્કાઉન્ટરથી ચર્ચામાં આવેલા IPS રજનીશ રાયે રાજીનામું આપી દીધું

અમદાવાદ, તા.ર૮
ગુજરાત કેડરના આઈપીએસ અધિકારી રજનીશ રાયે પોતાના પદેથી રાજીનામું આપી દીધું છે. આઈપીએસ રજનીશ રાય સોહરાબુદ્દીન એન્કાઉન્ટર વખતે ઘણા ચર્ચામાં આવ્યા હતા. આઈપીએસ અધિકારી તરીકે રાજીનામું આપનાર રજનીશ રાય બીજા અધિકારી છે, અગાઉ આઈપીએસ અધિકારી રાહુલ શર્મા પણ રાજીનામું આપી ચૂક્યા છે. રજનીશ રાયને પણ ભાજપ સરકાર પોતાના દુશ્મન તરીકે જોઈ રહી હતી. જેના કારણે નરેન્દ્ર મોદી વડાપ્રધાન થયા પછી તેમને પણ આંધ્રપ્રદેશમાં સીઆરપીએફમાં મોકલી આપવામાં આવ્યા હતા. ર૦૦૧માં નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી થયા પછી ગુજરાતના કેટલાક આઈપીએસ અધિકારીઓ રાજકીય નિર્ણયને તાબે થવાનો ઈન્કાર કરી કાયદાની જોગવાઈ પ્રમાણે જ તેઓ કામ કરશે તેવું ચલણ રાખ્યું હતું, જેમાં સતીષ વર્મા, રજનીશ રાય અને રાહુલ શર્મા જેવા અધિકારીઓનો સમાવેશ થતો હતો. જેના કારણે આવા અધિકારીઓ સામે વિવિધ પ્રકારની ખાતાકીય તપાસ શરૂ કરી દેવામાં આવી હતી. ર૦૦પમાં થયેલા સોહરાબુદ્દીન શેખના બનાવટી એન્કાઉન્ટર કેસની તપાસ ડીઆઈજી રજનીશ રાયને સોંપવામાં આવી હતી. સોહરાબુદ્દીનનું એન્કાઉન્ટર ગુજરાત અને રાજસ્થાન પોલીસનું જોઈન્ટ ઓપરેશન હતું. ભાજપ સરકાર સહિત ગુજરાત પોલીસના અધિકારીઓ પણ માનતા હતા, રજનીશ રાય તપાસ કરતા હોવાને કારણે તેમને વાંધો આવશે નહીં પણ ર૦૦૭માં રજનીશ રાયે ગુજરાતના અત્યંત પાવરફૂલ આઈપીએસ અધિકારી ડી.જી. વણઝારા, રાજકુમાર પાંડયન અને રાજસ્થાનના આઈપીએસ અધિકારી દિનેશ એમએનને પોતાની ઓફિસમાં નિવેદન નોંધવા માટે બોલાવી તેમની ધરપકડ કરી હતી. આ પ્રકારની ગુજરાત પોલીસમાં પહેલી વખત ધરપકડ થઈ હતી. આ દિવસથી ભાજપ સરકાર અને રજનીશ રાય. સામ સામે આવી ગયા હતા. ઈશરત જહાંના બનાવટી એન્કાઉન્ટર કેસમાં સતીષ વર્માએ પણ પોલીસ અધિકારીની ધરપકડ કરી હતી. જેના કારણે તેમને પણ ગુજરાત બહાર મોકલી દેવામાં આવ્યા છે, જ્યારે ર૦૦રના તોફાનમાં પોલીસ અધિકારીઓ અને નેતાની ફોન સિડી તૈયાર કરનાર રાહુલ શર્મા ઉપર વિવિધ પ્રકારના આરોપો મૂકી પરેશાન કરવામાં આવી રહ્યા હતા. જેના કારણે તેઓ અગાઉ રાજીનામું આપી ચૂક્યા છે, હવે સીઆરપીએફમાં રહેલા રજનીશ રાયે પણ પોતાનું રાજીનામું સરકારને મોકલી આપ્યું છે. હાલ આઈપીએસ રજનીશ રાય આંધ્રપ્રદેશમાં સીઆરપીએફમાં ફરજ પર છે પરંતુ તેમના પત્ની પણ ગુજરાતમાં ઉચ્ચ પદે પાછા ફર્યા હતા. જેથી પતિ-પત્નીને એક જ જગ્યાએ રાખવાના સરકારના નિયમ મુજબ તેઓ ગુજરાતમાં પાછા ફરી રહ્યા છે તેવા અહેવાલો સામે આવ્યા હતા પરંતુ આજે ગુજરાત કેડરના આઈપીએસ રજનીશ રાયે એકાએક રાજીનામું આપી દેતા ચર્ચાનો વિષય બન્યો હતો.