અમદાવાદ, તા. ૧૦
પૂર્વ આઈપીએસ અધિકારી સંજીવ ભટ્ટને ૨૨ વર્ષ જૂના કેસમાં ૧૪ દિવસના રિમાન્ડ ઉપર સોંપવાના મામલે આજે હાઈકોર્ટમાં સંજીવ ભટ્ટ ના વકીલ અને સરકારી વકીલ દ્વારા લંબાણપૂર્વક સુનાવણી થઈ હતી અને આવતીકાલ મંગળવારે પણ સુનાવણી ચાલુ રાખવામાં આવશે. પાલનપુરની અદાલતે સંજીવ ભટ્ટને રિમાન્ડ ઉપર સોંપવાનો ઇનકાર કરતા મામલો હાઇકોર્ટમાં પહોંચેલો છે અને બંને પક્ષો વચ્ચે લંબાણપૂર્વકની દલીલો થઇ રહી છે.
રાજ્ય સરકારે હાઇકોર્ટમાં અપીલ કરીને રજૂઆત કરી હતી કે કેસમાં યોગ્ય તપાસ માટે આરોપીની કસ્ટોડીયલ તપાસ કરવી આવશ્યક છે. કારણકે ઘણી ખૂટતી કડીઓની તપાસ કરવાની બાકી છે. પોલીસ દ્વારા મેજિસ્ટ્રેટ સમક્ષ ૧૮ જેટલા કારણો રજૂ કર્યા હતા. અફિણ કોણે પ્લાન્ટ કર્યું. તે કોણ લાવ્યું તેની પણ તપાસ કરવાની છે. બનાસકાંઠાના તત્કાલીન ડીએસપી ભટ્ટે અફિણના કેસમાં ફસાવેલા વકીલ રાજપુરોહિતને કથિત રીતે એવી ધમકી આપી હતી કે, જો તે તાબે નહી થાય તો અફિણનો મોટો જથ્થો બતાવી તેને ફસાવી દેવામાં આવશે.તો તેમની પાસે અગાઉ કેટલો જથ્થો હતો તેની પણ તપાસ કરવાની છે. આરોપી પાલી ખાતે રહે છે તેટલી જ માહીતી હતી અને કુટરમલ એટલી જ માહિતી હતી તો પોલીસ સીધા તેના ઘર સુધી કઇ રીતે પહોંચી તે પણ તપાસ કરવાની છે. આરોપી પોલીસ અધિકારીઓ વચ્ચેના ફોનકોલ્સના ડેટા પણ સ્પષ્ટ કરે છે. આ તમામ બાબતોની તપાસ માટે આરોપીની પોલીસ કસ્ટડીમાં હાજરી આવશ્યક છે. તેથી તેને રીમાન્ડ પર સોંપવો જોઇએ. બીજી તરફ સંજીવ ભટ્ટ તરફે એવી રજૂઆત કરાઇ હતીકે, તેમને રીમાન્ડ પર ન સોંપવાનો નીચલી અદાલતનો નિર્ણય યોગ્ય છે. પોલીસે આ કેસમાં ખોટી રીતે નામ સંડોવી દીધું છે. ઉપરોક્ત તમામ દલીલો ધ્યાને લઇ હાઇકોર્ટે કેસની વધુ સુનાવણી આવતીકાલ મંગળવાર પર મુલત્વી રાખી છે.
ઉલ્લેખનીય છે કે ચાલુ સપ્તાહે પોલીસે ભટ્ટ તથા અન્ય પોલીસ કર્મચારીઓની ધરપકડ કરીનો કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડની માંગણી કરી હતી જે નકારી કાઢવામાં આવી હતી. પોલીસી ૧૪ દિવસની રિમાન્ડની માગણી કરી હતી પરંતુ આટલા લાંબા સમય બાદ કેસમાં કાર્યવાહી કરી હોવાથી નીચલી અદાલતે રિમાન્ડ આપવાનો ઇનકાર કરી દીધો હતો. તેની સામે પોલીસ તરફથી હાઇકોર્ટમાં અરજી કરીને ભટ્ટ તથા અન્યોની રિમાન્ડ ઉપર સોંપવાની માગણી કરતા રજૂઆત કરી હતી કે હાઇકોર્ટમાં આ કેસ લાંબા સમયથી ચાલી રહ્યો હતો અને હાઇકોર્ટના જ આદેશ બાદ ધરપકડ કરવામાં આવી છે. આ કેસમાં લાંબો સમય થયો હોવાથી પુછપરછ થવી જરૂરી છે. ઉલ્લેખનીય છે કે રાજસ્થાન જીલ્લાના પાલી ખાતે રહેતા વકીલ સુમેરસિંહ રાજપૂરોહિતની બનાસકાંઠા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. સ્થાનિક જજ આર. આર. જૈનના સગાની ઓફિસમાં વકીલના કબજામાં હોવાથી તે ખાલી કરાવવા માટે કથિત રીતે ભટ્ટના ઇશારે બનાસકાંઠા પોલીસે પાલાવીલ સામે ખોટો કેસ ઉભો કર્યો હતો.
પૂર્વ IPS સંજીવ ભટ્ટના રિમાન્ડ માટે પોલીસ દ્વારા ૧૮ કારણો રજૂ કરાયા

Recent Comments