અમદાવાદ,તા.ર૧
અમદાવાદ શહેરના વેજલપુર વિસ્તારમાં ગાંધી હોલ નજીક આવેલ જાણીતી ઈકરા હોસ્પિટલના મેનેજમેન્ટને આગામી તા.ર૭-૪-ર૦ર૦ સુધી હઝરત પીર મોહંમદ શાહ ટ્રસ્ટને કબજો સોંપવા વકફ ટ્રીબ્યુનલે હુકમ કર્યો છે. ત્યારે હઝરત પીર મોહંમદ શાહ ટ્રસ્ટ વતી ત્યાં અભ્યાસમાં મદદરૂપ થાય તે હેતુથી વિદ્યાર્થિનીઓની હોસ્ટેલ બનાવવા નિર્ણય લેવાયો છે. અમદાવાદના વેજલપુર વિસ્તારમાં સોનલ સિનેમા ચાર રસ્તાની નજીક, ગાંધી હોલ પાસે સર્વે નં.૭ર૬ તથા ૭ર૯માં આવેલા બાગે ફિરદોશ કો.ઓ.હા.સો.લિ.ના સબ પ્લોટ નં. ૧૪ અને ૧પ પર ઈકરા ચેરિટેબલ ફાઉન્ડેશનને ઈકરા હોસ્પિટલ ચલાવવા માટે હઝરત પીર મોહંમદશાહ દરગાહ શરીફ ટ્રસ્ટ દ્વારા તા.૩૧-૧૦-ર૦૦૧ના રોજ કાયદેસરની લીવ એન્ડ લાયસન્સી કરી ૧૦ વર્ષ માટે આપવામાં આવી હતી. આ સમયમર્યાદા પૂર્ણ થયા બાદ જો ટ્રસ્ટને યોગ્ય લાગે તો સંમતિથી સમયમર્યાદા વધારવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જો કે હઝરત પીર મોહંમદ શાહ દરગાહ શરીફ ટ્રસ્ટે સમયમર્યાદા ન વધારી લીવ એન્ડ લાયસન્સીનો એગ્રીમેન્ટ ટર્મીનેટ કરતી નોટિસ લેખિતમાં આપવામાં આવી હતી પરંતુ વારંવાર કબજાની માંગણી કરી હોવા છતાં ઈકરા ચેરિટેબલ ટ્રસ્ટે કબજો સોંપ્યો ન હતો. દરમ્યાન ઈકરા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ટ્રસ્ટના કબજામાં આવેલી બંધ દુકાનોની માગ કરી હતી. બીજી તરફ તા.૮-૧૦-૧૮ના રોજ વાદી તરફથી પ્રતિવાદીને કાયદેસરની નોટિસ આપવામાં આવી હતી. જેનો પ્રતિવાદીએ ખોટો અને ઉડાઉ જવાબ આપેલ જેથી હઝરત પીર મોહંમદશાહ દરગાહ શરીફ ટ્રસ્ટે હાલ ઈકરા હોસ્પિટલ આવેલ છે તે ભોંયરા તથા ૪ માળના બાંધકામ સહિતની મિલકત જે બાગે ફિરદોશમાં આવેલ છે. તેનો ખાલી શાંત અને પ્રત્યક્ષ કબજો મેળવવા કોર્ટમાં દાદ માંગી હતી. વાદી તરફથી દાવા અરજી આપતાં પ્રતિવાદીને નોટિસ કાઢવામાં આવેલ. નોટિસની બજવણી થતાં પ્રતિવાદીના તથા ગુજરાત રાજય વકફ બોર્ડના વકીલ હાજર રહ્યા હતા. જેમાં પ્રતિવાદીએ જણાવ્યું હતું કે ૧૦ વર્ષની મુદ્દત માત્ર લખવા ખાતર લખવામાં આવેલી. બંને પક્ષકારોનો ઈરાદો ઉકત કરાર કરતી વખતે કાયમ માટે સમાજના લોકોને ખાસ કરીને ગરીબોને સારવાર પૂરી પાડવાનો હતો. પ્રતિવાદી સમાજના લોકોની સારવાર માટે વાદવાળી મિલકતમાં હોસ્પિટલ ચલાવતા હોઈ વાદીની દાવા અરજી રદ કરવા અરજી કરી હતી. જયારે વકફ બોર્ડ તરફે વાદીની દાવા અરજીને સમર્થન કારક લેખિત રજૂઆત કરવામાં આવી હતી.
અરજી સુનાવણી માટે નીકળતાં બંને તરફે હાજર ટ્રસ્ટીઓની ઉપસ્થિતિમાં બંને પક્ષકારો વચ્ચે સમાધાન માટેની વાતચીત કરવામાં આવી હતી. વાદી ટ્રસ્ટે હોસ્પિટલની જગ્યા જેનો લીઝ પિરિયડ પૂરો થઈ ગયો હોઈ તે જગ્યા સમાજની અભ્યાસ કરતી છોકરીઓ માટે હોસ્ટેલ બનાવવા અને શૈક્ષણિક હેતુ માટે વાપરવા જણાવાયું હતું. આમ બંને પક્ષકારો વચ્ચે થયેલ સમજૂતી મુજબ તા.ર૭-૪-ર૦ર૦ સુધી ઈકરા ફાઉન્ડેશન હસ્તકની ઓપીડી ચાલુ રહેશે. તા.ર૭ એપ્રિલ ર૦ર૦ સુધીમાં તમામ પ્રકારના સાધનો પ્રતિવાદી ટ્રસ્ટે ઓપીડી તથા વાદવાળી મિલકતમાંથી હટાવી લેવા જણાવાયું છે. આમ ઈકરા હોસ્પિટલના સ્થાને હવે વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલ બનશે. ટૂંકમાં સેવાનો આશય અકબંધ રહ્યો છે.

૧૮ વર્ષ સુધી કોઈ ભાડું લેવાયું નથી

શફીભાઈ મણીઆરે વધુમાં જણાવ્યું હતું કે, ‘લીવ એન્ડ લાયસન્સી’ના દસ વર્ષ અને તે પછીના ૮ વર્ષ એટલે કે વર્ષ ર૦૦૧થી ર૦૧૮ સુધી ઈકરા હોસ્પિટલ ટ્રસ્ટ પાસેથી હઝરત પીર મોહંમદ શાહ દરગાહ ટ્રસ્ટ દ્વારા કોઈ ભાડુ લેવામાં આવ્યું નથી. આમ એ રીતે પણ હઝરત પીર મોહંમદશાહ દરગાહ ટ્રસ્ટ સેવાનું સહભાગી બન્યું છે.

ગામડાની અનેક જરૂરિયાતમંદ વિદ્યાર્થિનીઓ
માટે હોસ્ટેલનું સ્વપ્ન પરિપૂર્ણ કરીશું

આ ચુકાદા અંગે પ્રતિક્રિયા આપતા હઝરત પીર મોહંમદ શાહ દરગાહ ટ્રસ્ટના પ્રમુખ શફીભાઈ મણીઆરે જણાવ્યું હતું કે આ ચુકાદાથી હવે અમને જગ્યા પુનઃ પાછી મળી છે જેને લીધે ત્યાં શાનદાર ગર્લ્સ હોસ્ટેલ બનાવવાની અમારી વર્ષોથી સંઘરી રાખેલી ઈચ્છા ફળીભૂત થશે. આજે પણ અનેક ગામડા અને નાના શહેરો એવા છે જયાંની ગરીબ દીકરીઓ હોંશિયાર હોવા છતાં ધોરણ-૧૦-૧ર પછી હોસ્ટેલની સુવિધા ન મળતાં મોટા શહેરમાં રહી ભણવાનું સ્વપ્ન નથી જોઈ શકતી. ત્યારે અમે અમદાવાદના વેજલપુર વિસ્તારમાં ગાંધી હોલની પાસે એક એવી અદ્યતન ગર્લ્સ હોસ્ટેલ બનાવીશું જયાં આવી જરૂરતમંદ દીકરીઓને મદદરૂપ થવા દરેક સુવિધા ઊભી કરી શકાય. શફીભાઈ મણીઆર વતી ટ્રસ્ટના આ પગલાને સ્ત્રીસશકિતકરણની દિશામાં સરાહનીય પગલું ગણાવી શકાય.