(એજન્સી) રખિને,તા.૬
મ્યાનમારના રખિનેમાં રોહિંગ્યા મુસ્લિમો વિરુદ્ધ આચરાતી હિંસા અને તેમના પર ગુજારાતા અત્યાચાર અંગે ઇરાન અને તુર્કીના વિદેશમંત્રીઓએ પોતાના વિચારોનું પરસ્પર આદાનપ્રદાન કર્યું હતું. ઇરાનના વિદેશમંત્રી મોહમ્મદ જાવેદ અને તુર્કીના વિદેશમંત્રી મેવલટ કોવુસ્લોગુએ ફોન પર આ મુદ્દે વાતચીત કરી હતી. બંને ઉચ્ચ રાજકારણીઓએ અત્યાચારનો ભોગ બનેલા રોહિંગ્યા મુસ્લિમને શક્ય તેટલી મદદ કરવા અંગે વાતચીત કરી હતી. ૨૫ ઓગસ્ટના રોજ મ્યાનમારના રોજ ભડકેલી હિંસાએ ભયાનક રૂપ ધારણ કર્યું છે. ત્યાં રોહિંગ્યા મુસ્લિમો અને સેના વચ્ચે સંઘર્ષ ચાલી રહ્યો છે, જેમાં અત્યાર સુધીમાં ૨૦૦થી વધુ લોકોનાં મોત નિપજ્યા છે. એક અનુમાન અનુસાર મ્યાનમારમાં ૧૦ લાખ લોકો છે. હ્યુમન રાઇટ્‌સ વોચે એક સેટેલાઇટ ઇમેજ જારી કરી છે જેનાથી તે સામે આવ્યું છે કે પાછલા દોઢ અઠવાડિયાની અંદર રખિને પ્રાંતમાં આવેલા રોહિંગ્યાના ૧૨૦૦ ઘરો તોડી પડાયા અને ૭૦૦ ઘરોને આગ ચાંપી દેવામાં આવી. સૂત્રોેના જણાવ્યા અનુસાર ૨૬-૨૭ ઓગસ્ટના રોજ મ્યાનમારના સૈનિકોએ તેમના ગામમાં ગોળીબાર કર્યો હતો. હિંસાથી બચીને ભાગેલા એક સાક્ષીએ જણાવ્યું કે સેના અને અર્ધલશ્કરી દળો બાળકો પર ગોળીબાર કરી રહ્યાં છે. મ્યાનમાર સેના દ્વારા રોહિંગ્યા મુસ્લિમોના ગામો કથિતરૂપે સળગાવી નખાયા બાદ શરણાર્થીઓ મોટી સંખ્યામાં બાંગ્લાદેશ પહોંચી રહ્યા છે. સંયુક્ત રાષ્ટ્રોના જણાવ્યા અનુસાર ૨૫ ઓગસ્ટ બાદ મ્યાનમારમાંથી આશરે ૯૦ હજાર શરણાર્થીઓ બાંગ્લાદેશ પહોંચ્યા છે તેમાંથી મોટી સંખ્યા રોહિંગ્યાની છે. હાલ આશરે ૨૦ હજાર લોકો મ્યાનમાર-બાંગ્લાદેશની સરહદ પર પહોંચ્યા છે અને બાંગ્લાદેશમાં ઘુસણખોરી કરવાની રાહ જોઇ રહ્યા છે. સંયુક્ત રાષ્ટ્ર સંઘે સેનાની આ કાર્યવાહીને માનવતા વિરુદ્ધની ગણાવી છે. ઉલ્લેખનીય છે કે રખિને પ્રાંતમાં ૨૦૧૨થી સાંપ્રદાયિક હિંસા જારી છે. આ હિંસામાં મોટી સંખ્યામાં લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે અને એક લાખથી વધુ લોકોએ સ્થળાંતર કરવું પડ્યું છે.