(એજન્સી) તા.૭
મ્યાનમારના રખાઇન અને અરાકાન વિસ્તારમાં ચાલી રહેલી મુસ્લિમ વિરોધી ભયંકર હિંસાનો અંત લાવવા માટે ઇરાન સરકારે મ્યાનમાર સરકારને અપીલ કરી છે. ઇરાનના વિદેશમંત્રી મોહમ્મદ જાવેદ ઝરીફે આંતરરાષ્ટ્રીય સમુદાયને આ મામલો ગંભીરતાથી લેવા અપીલ કરી છે. ઇરાને કહ્યું કે બાંગ્લાદેશ-મ્યાનમાર સરહદે જે રીતે શરણાર્થીઓની કટોકટીભરી સ્થિતિ જોવા મળી રહી છે તે ખરેખર હૃદયદ્રાવક છે. આ મામલે જરૂરી પગલાં એ પણ તાત્કાલિક ધોરણે લેવાની જરૂર છે. ઇરાનના વિદેશમંત્રી ઝરીફે જુદા જુદા મુસ્લિમ દેશોના તેમના સમકક્ષ જેમ કે તુર્કીના વિદેશમંત્રી મેવલુત કોવસોગ્લુ, મલેશિયાના વિદેશમંત્રી અનિફાહ અમાન અને ઇન્ડોનેશિયાના વિદેશમંત્રી રેટનો માર્સોદી સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. ઇરાનના ટોચના અધિકારીએ કહ્યું કે તાજેતરમાં મ્યાનમારમાં રોહિંગ્યા મુસ્લિમોની જે સ્થિતિ છે તે અંગે ઇરાન ઘણો ચિંતિત છે. તેમણે કહ્યું કે આંતરરાષ્ટ્રીય સમુદાય અને મુસ્લિમ દેશો દ્વારા મ્યાનમારની સમસ્યાને ઉકેલવા માટે જે પણ પગલાં ભરવાની માગ કરવામાં આવશે અમે તેને પૂર્ણ કરવા તૈયાર છીએ. અમે આ મામલે ભરપૂર સાથ આપવા સમર્થિત છીએ. તમને જણાવી દઇએ કે મ્યાનમારમાં ગત રપ ઓગસ્ટના રોજથી તાજેતરની હિંસા ફાટી નીકળી છે જેમાં મ્યાનમાર પોલીસના ડઝનેક કર્મી અને બોર્ડર પોસ્ટ નષ્ટ કરી દેવામાં આવ્યા હતા. તેના બાદથી જ મ્યાનમારમાં ફરીથી હિંસક ઘટનાઓનો દોર શરૂ થયો છે. એક હ્યુમન રાઇટ્‌સ વોચે પણ એક સેટેલાઇટ ઇમેજ જારી કરી છે જેમાં ૭૦૦ જેટલા રોહિંગ્યા મુસ્લિમોના મકાનોને આગ ચાંપી દેવામાં આવી છે. અગાઉ તુર્કીના વિદેશમંત્રીએ પણ બાંગ્લાદેશને કહ્યું હતું કે રોહિંગ્યા મુસ્લિમોને શરણ આપવાની તૈયારી કરે. તેમણે કહ્યું હતું કે બાંગ્લાદેશે આ લોકોને શરણ આપવી જોઇએ અને તેના માટે જે પણ ખર્ચો થશે તે તુર્કી ભોગવવા તૈયાર છે. આ મામલે સંયુક્ત રાષ્ટ્ર પણ ૧૯મી સપ્ટેમ્બરે બેઠક આયોજિત કરી શકે છે.