(એજન્સી) તહેરાન, તા. ૧૪
ઈરાન-ઈરાક સરહદે આવેલા મહાવિનાશકારી ધરતીકંપમાં રાહત બચાવ અભિયાન પૂરુ કરી દેવામાં આવ્યું છે. ધરતીકંપમાં મોત પામેલા લોકોની સંખ્યા વધીને ૪૫૦ પર પહોંચી છે. ઈરાને કહ્યું કે મંગળવાર સુધીમાં રાહત-બચાવ અભિયાન પુરુ કરી દેવામાં આવ્યું છે. વર્ષ ૨૦૧૭ના સૌથી વિનાશકારી ધરતીકંપ તરીકે આને જોવામાં આવે છે. ધરતીકંપના કારણે અભૂતપૂર્વ નુકસાન થયુ છે. હજારો ઇમારતો અને મકાનો પત્તાના મહેલની જેમ ધરાશાયી થઇ ગયા છે. મોટી સંખ્યામાં લોકો હજુ પણ જાહેર રસ્તામાં અને ખુલ્લામાં છે. ઘાયલોની સંખ્યા ૭૫૦૦થી વધારે આંકવામાં આવી છે. મોતનો આંકડો હજુ વધવાની દહેશત છે. ઇરાનના પાટનગર તહેરાનમાં સેવામાં મોટા પાયે લોકો આગળ આવ્યા છે. અહીં રક્તદાન કરવા સેંકડો લોકોએ લાઇન લગાવી હતી. ઇરાકમાં પણ આઠ લોકોના મોત થયા છે અને ૫૩૫થી વધારે ઘાયલ થયા છે. ઇરાનમાં ૪૫૦થી વધારે સત્તાવાર મોતનો આંકડો આવી ચુક્યો છે. ઇરાન અને ઇરાક બન્ને દેશોમાં અસરગ્રસ્ત વિસ્તારોમાં બચાવ અને રાહત કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. અનેક ઇમારતો પ્રચંડ ભૂકંપના કારણે પત્તાના મહેલની જેમ ધરાશાયી થઇ ગઇ છે. ઇરાકમાં ભૂકંપના આંચકા બગદાદમાં પણ અનુભવાયા હોવાનું જાણવા મળ્યું છે. ઇરાનના કરમાનશાહ પ્રાંતના ડેબ્યુટી ગવર્નરે કહ્યું છે કે, રાહત છાવણીઓ ઉભી કરવામાં આવી ચુક છે. ભૂકંપ હલબજાથી ૩૦ કિલોમીટરના અંતરે દક્ષિણ પશ્ચિમમાં રવિવારે રાત્રે ૯.૨૦ વાગે અનુભવાયો હતો. ઇરાકના સુલેમાનિયા પ્રાંતમાં પણ મોટી સંખ્યામાં લોકોને ઇજા થઇ છે. જે વિસ્તારમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે તે આરબ અને યુરેશિયાઈ ટેક્ટોનિક પ્લેટની ૧૫૦૦ કિમી ફાલ્ટ લાઈનની હદમાં આવે છે.