(એજન્સી) તહેરાન, તા. ૮
ઇરાનમાં ઝડપથી ફેલાઇ રહેલા સરકાર વિરોધી પ્રદર્શનો મામલે પૂર્વ રાષ્ટ્રપતિ મોહમ્મદ એહમદી નેજાદની ધરપકડ કરવામાં આવી છે. અહેવાલો અનુસાર એહમદી નેજાદને દક્ષિણ મધ્ય ઇરાનના શિરાજ શહેરમાંથી ધરપકડ કરવામાં આવી છે. પૂર્વ રાષ્ટ્રપતિ એહમદી નેજાદને ઇરાનમાં સરકાર વિરોધી પ્રદર્શનોને પ્રોત્સાહન આપવા બદલ ધરપકડ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, ઇરાનમાં ગત ૨૮ ડિસેમ્બરથી સરકાર વિરોધી પ્રદર્શનો ફાટી નીકળ્યા છે. જે હવે સમગ્ર દેશમાં ફેલાઇ ચૂક્યા છે. અહેવાલો અનુસાર દેશના સુપ્રીમ નેતા આયોતોલ્લાહ ખામેનાઇના આદેશ બાદ એહમદી નેજાદની ધરપકડ કરવામાં આવી છે. એહમદી નેજાદને હાઉસ અરેસ્ટ કરવામાં આવ્યા છે. તહેરાનના સત્તાવાર સૂત્રો અનુસાર એહમદી નેજાદને નજરકેદ કરવામાં આવ્યા છે. ડિસેમ્બર માસમાં એહમદી નેજાદે બુશેર શહેરમાં એક સભાને સંબોધિત કરતા જણાવ્યું હતું કે, ઇરાન કુપ્રબંધનને કારણે દુનિયાનું કષ્ટ સહન કરી રહ્યું છે અને રૂહાની સરકાર એવું માને છે કે, આ દેશ તેમની જાગીર છે અને દેશના લોકો પાગલ છે. ઇરાનમાં વધતી બેરોજગારી, મોંઘવારી અને ભ્રષ્ટાચારને પગલે સમગ્ર દેશમાં લોકો માર્ગો પર ઉતરી આવ્યા છે અને આ પ્રદર્શનો હવે હિંસક થઇ ગયા છે. હિંસામાં અત્યારસુધી ૨૦થી વધુ લોકો માર્યા ગયા છે. ઇરાનના પૂર્વ પ્રમુખે આ રેલીમાં લાજીરાનીને પણ નિશાને લેતા કહ્યું હતું કે, પૂર્વના દેશો માટે જાસૂસી કરતા મારા કોઇ બાળકો નથી, મારે એવો કોઇ ભાઇ નથી જેઓ ગેરકાયદે માલની હેરફેર કરતા હોય અને મારા પશુઓ માટે મેં કોઇ જમીન પચાવી પાડી નથી. ઉલ્લેખનીય છે કે, ઇરાનમાં છેલ્લા ઘણા સમયથી બેરોજગારી અને મોંઘવારીએ માઝા મૂકી છે ત્યારે દેશના મોટાભાગના શહેરોમાં લોકો માર્ગો પર ઉતરી આવ્યા છે અને સરકારી વિરોધી નારેબાજી સાથે હિંસા પર ઉતરી આવ્યા છે. દેશના સર્વોચ્ચ ધાર્મિક નેતા આયાતોલ્લાહ ખામેનાઇએ સરકાર વિરોધી પ્રદર્શનો કરનારા લોકોને દેશના દુશ્મન ગણાવ્યા હતા. આ ઉપરાંત ખામેનાઇએ એમ પણ જણાવ્યું હતું કે, દેશમાં લોકોને શાંતિપૂર્ણ પ્રદર્શનો કરવાનો અધિકાર છે પરંતુ તેઓ ક્યારેય હિંસા સાંખી નહીં લે. દરમિયાન સંયુક્ત રાષ્ટ્રમાં પણ ઇરાનની સ્થિતિ અંગે ઉગ્ર ચર્ચા થઇ હતી. સમગ્ર ઇરાનમાં અઠવાડિયાભરથી પણ વધુ સમયથી ચાલી રહેલા સરકાર વિરોધી દેખાવોમાં લગભગ ર૧ લોકોનાં મોત નીપજ્યાં છે. આ બેઠક દરમિયાન સુરક્ષા પરિષદના પ કાયમી સભ્યોમાંથી ૩ સભ્ય દેશ ફ્રાન્સ, રશિયા અને ચીને ઇરાનનો સાથ આપતા કહ્યું કે ૧પ સભ્યોની સુરક્ષા પરિષદ ઇરાનમાં વર્તમાન સ્થિતિ અંગે ચર્ચા માટે યોગ્ય મંચ નથી કેમ કે તેનાથી આંતરરાષ્ટ્રીય શાંતિ તથા સુરક્ષાને ખતરો પેદા નથી થતો. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની બેઠકમાં નિક્કીએ કહ્યું કે ઇરાનના લોકો હવે માર્ગો પર ઉતરી રહ્યાં છે. તે બસ એ જ માગણી કરે છે કે જેનાથી કોઇ સરકાર કાયદો ઇન્કાર કરી ના શકે અને તે છે પોતાના માનવાધિકાર તથા મૌલિક આઝાદી. તે મદદ માટે પોકારી રહ્યાં છે કે અમારા વિશે વિચારો. જો આ સંસ્થાના મૂળ સિદ્ધાંતો કંઈક મહત્વ ધરાવે છે તો આપણે ફક્ત તેમનું રુદન નહીં સાંભળીએ પરંતુ તેનો જવાબ પણ આપીશું. ઇરાન શાસન પર હવે નજર છે. તમે જે કરી રહ્યાં છો તે દુનિયા જોઈ રહી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હવે દેખાવકારોને ટેકો આપી રહ્યાં છે. નિક્કીએ કહ્યું કે સંયુક્ત રાષ્ટ્રનો દરેક સભ્ય દેશ સંપ્રભુ છે પરંતુ સભ્ય દેશ પોતાની સંપ્રભુતાની આડમાં પોતાના જ લોકોને માનવાધિકાર તથા મૌલિક આઝાદીથી ઇન્કાર ન કરી શકે. તેમણે યુએનએસસીના બધા સહયોગીઓને ઇરાનની પ્રજાના સંદેશને આગળ વધારવામાં તેમનો સાથ આપવાનું આહવાન કર્યું છે. તેમણે કહ્યું કે ઇરાની સરકારને હું અપીલ કરું છું કે તે પ્રજાના અવાજના દબાવવા પર લગામ લાગવે અને ઇન્ટરનેટ સુધી લોકોને પહોંચવા દે. કેમ કે આખરે ઇરાનના નાગરિકો તેમનું ભાગ્ય નક્કી કરશે. સુરક્ષા પરિષદને જણાવતાં રાજકીય બાબતોના સહાયક યુએન મહાસચિવ ટાયે બ્રુકે જેરીહુને કહ્યું કે ઈરાનમાં થઇ રહેલા દેખાવો માનવાધિકારોની મૌલિક અભિવ્યક્તિ છે અને પોતાના દમનકારી શાસનથી નિરાશ આ બહાદુર લોકો પોતાના જીવનને ખતરામાં નાખતા પણ ધારદાર દેખાવો કરી રહ્યાં છે. જોકે યુએનને સંબોધતાં ઇરાનના દૂત ઘોલામીલી ખોશોરુએ ૧પ સભ્યોની સંસ્થાની ટીકા કરતા કહ્યું કે ટ્રમ્પ સરકારના આહવાન પર બેઠકનું આયોજન કરી સંસ્થાનો દુરુપયોગ કરાઈ રહ્યો છે જે સંપૂર્ણપણે તેના અધિકાર ક્ષેત્રથી બહાર છે.