(એજન્સી) તા.૨૭
ભારત જો પોતાની યોજના પ્રમાણે આગળ વધે તો અમેરિકી પ્રતિબંધોના કારણે ઈરાને ક્રૂડ ઓઈલના એક મસમોટા ગ્રાહકને ગુમાવી શકે છે. ભારત નવેમ્બર મહિના બાદ ઈરાન પાસેથી ક્રૂડ ઓઈલની આયાત બંધ કરવાનું વિચારી રહ્યું છે. ભારતની ઓઈલ રિફાઈનરીઓ જેવી કે, ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન અને ભારત પેટ્રોલિયમ કોર્પોરેશને નવેમ્બરમાં ઈરાન પાસેથી તેલના આપવામાં આવનાર ઓર્ડર અત્યારથી જ બંધ કરી દીધા છે. બંને કંપનીઓના અધિકારીઓએ આ વાતની પુષ્ટિ પણ કરી છે. ભારતે આ વર્ષે પ્રતિ દિવસ સરેરાશ ૫ લાખ ૭૭ હજાર બેરલ તેલ મંગાવ્યું છે. બ્લૂમબર્ગના આંકડા પ્રમાણે, આ મધ્ય પૂર્વના દેશોની કુલ નિકાસનો ૨૭ ટકા છે. માત્ર આઈઓસી અને બીપીસીએલ જ નહીં નાયરા એનર્જી પણ આ જ પગલા ભરી રહી છે તેમ ક્રૂડ ઓઈલ ઉદ્યોગ સાથે સંકળાયેલા એક અધિકારીએ જણાવ્યું હતું. નાયરા એનર્જી પણ ઈરાન પાસેથી ક્રૂડ ઓઈલની ખરીદી બંધ કરવાની યોજના બનાવી રહ્યું છે. જોકે, મંગળવારે રિફાઈનરી એન્ડ પેટ્રોકેમિકલ્સ લિ.ના એક અધિકારીએ જણાવ્યું હતું કે, કંપનીએ આ મહિના માટે તો કોઈ જ ઓર્ડર આપ્યો નથી, પરંતુ પછીથી આપી શકે છે. જોકે નવેમ્બર માટે ઓક્ટોબરના અંત સુધીમાં ઓર્ડર આપવામાં આવી શકે છે. તેથી કંપનીઓ તેમનો આ વિચાર બદલે તેવી પણ શક્યતા રહેલી છે. ઈરાનના કાચા તેલની નિકાસમાં જબ્બર કડાકો બોલાતા બ્રાન્ડ ક્રૂડનો ભાવ ચાર વર્ષમાં સૌથી ટોચના ભાવે ૮૦ ડૉલરને પાર કરી ગયો છે. તેવી જ રીતે ઉપ્તાદન ઘટતાં કિંમતો હજી વધારે ઉંચકાઈ શકે છે. કારણ કે રિફાઈનરીઝ બીજા દેશોમાંથી આયાતના સસ્તા વિકલ્પો શોધી રહી છે. ઈરાનના ક્રૂડ ઓઈલની ઘટના બદલામાં દુનિયાભરમાં માત્ર સઉદી અરબ, થોડા ઘણા અંશે યુએઈ અને રશિયા પાસે જ ક્રૂડ ઓઈલનું ઉત્પાદન વધારવાની ક્ષમતા છે. ચીન બાદ ભારત જ ઈરાન પાસેથી ક્રૂડ ઓઈલની ખરીદી કરતો બીજો સૌથી મોટો દેશ છે. ભારતે આ વર્ષે પ્રતિ દિવસ સરેરાશ ૫ લાખ ૭૭ હજાર બેરલ તેલ મંગાવ્યું છે. બ્લૂમબર્ગના આંકડા પ્રમાણે, આ મધ્ય પૂર્વના દેશોની કુલ નિકાસનો ૨૭ ટકા છે. માત્ર ભારત જ નહીં, જાપાન, દક્ષિણ કોરિયા અને યુરોપીય દેશો પણ ઈરાન પાસેથી ક્રૂડ ઓઈલની આયાત બંધ કરવા જઈ રહ્યાં છે. આ સ્થિતિમાં ભારતના નિર્ણયથી ઈરાનને કમરતોડ ફટકો પડશે.