(એજન્સી) તહેરાન, તા.ર૭
ઈરાનની સંસદમાં માનવાધિકારોને સંબંધિત આયોગે એક નિવેદન જારી કરીને કહ્યું છે કે અમેરિકાએ સૌથી પહેલાં એ જાણી લેવું જોઈએ કે તે આજે જે ગેરકાયદેસર શાસન માટે સમગ્ર દુનિયા સામે લડવા માટે તૈયાર છે અને તેના માટે દરેક પ્રકારના માનવાધિકારોને કચડવા માટે તેયાર છે, તેનું પરિણામ માત્ર એક જ છે અને તે એ છે કે અમેરિકા આંતરરાષ્ટ્રીય સ્તર પર રાજકીય એકલતાનો ભોગ બની જશે. આયોગે કહ્યું કે આજે નહીં તો કાલે અમેરિકાએ પોતાના અમાનવીય કૃત્યોનો હિસાબ દુનિયાને આપવો જ પડશે. ઈરાની સંસદના માનવાધિકાર આયોગે કહ્યું છે કે અમેરિકાનો એ ઈતિહાસ રહ્યો છે કે તેણે હંમેશાં આંતરરાષ્ટ્રીય કાયદાઓનું ઉલ્લંઘન કર્યું છે અને તે ક્યારેય તે કોઈ આંતરરાષ્ટ્રીય કરાર મુદ્દે અટલ રહ્યું નથી. આયોગે કહ્યું કે અમેરિકા જ એવો પેહલો દેશ છે જે માનવાધિકાર પરિષદમાંથી બહાર નીકળ્યો છે. વોશિંગ્ટન પોતાના આ પગલાથી એક તરફ ઉક્ત પરિષદના નિર્ણયને નિષ્પ્રભાવી બનાવવા ઈચ્છે છે અને બીજી તરફ તે ખુદ ઈઝરાયેલ માટે આવો કાયદો ઈચ્છે છે કે તે જેટલો પણ અત્યાચાર કરે જેટલું પણ માનવાધિકારોનું ઉલ્લંઘન કરે તેને કોઈ જ રોકે-ટોકે નહીં.