ભૂજ, તા.૨
કચ્છ જિલ્લાના માંડવી તાલુકાના સલાયા ગામના કેપ્ટન ઉમર સાલેમામદ નઈમને ઈરાન જેલ મધ્યેથી છોડાવવા અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિતરક્ષક સમિતિએ કચ્છ-મોરબી લોકસભા મત વિસ્તારના સંસદ સભ્યને પત્ર દ્વારા રજૂઆત કરી છે. ૪ ઓગસ્ટ ર૦૧૪ના રોજ ઓચિંતા આવેલ ચક્રવાતમાં ફસાયેલ અલસેના વહાણ ઈરાની જળસીમામાં પ્રવેશી જતા બંધક બનાવાયેલ તમામ ૬ મેમ્બરોને સરકારના અથાગ પ્રયત્નોથી મુક્ત કરવામાં આવ્યા હતા. પરંતુ વહાણના કેપ્ટન ઉમર સાલેહમામદ નઈમ કોઈ ગુનાહ વગર સબડી રહ્યા છે અને તેમનું પરિવાર માંડવી તાલુકાના સલાયા મધ્યે કફોડી પરિસ્થિતિમાં જીવી રહ્યું છે. જેથી પરિવારના મોભી ઈરાન જેલમાંથી મુક્ત થાય તે માટે ભારત દેશના વિદેશમંત્રી સુષમા સ્વરાજને રજૂઆત કરી. છોડાવવાની પ્રક્રિયા કરવામાં આવે તો તે કુટુંબના મોભી પોતાના પરિવારને મળી શકે છે અને હાલ જેલમાં મોટી બીમારીથી પીડાઈ રહ્યા છે. જેથી તેને છોડાવવા પૂરતા પ્રયાસો કરવા સંસદ સભ્યને રજૂઆત કરી છે. ઉપરાંંત ઈરાન સરકારે તેમના ઉપર મોટો દંડ ફટકારેલ છે. જેથી આ મુદ્દાને ધ્યાને લઈ દંડ માફ થાય અથવા ઓછું થાય તે માટે વિદેશ મંત્રાલય દ્વારા તમારા દ્વારા પ્રયત્નો કરવામાં આવે તેવી વિનંતી કરી છે.