(એજન્સી) બગદાદ, તા.ર૭
કુર્દિસ્તાન રિજિયોનલ ગવર્નમેન્ટના વડા મસૂદ બરઝાનીએ પેટા કુર્દીશ વિસ્તારને આઝાદ કરવા માટે લોકમત યોજવાની કરેલી જાહેરાત બાદ ઈરાકના વડાપ્રધાન હૈદર અલ- અબાદીએ કહ્યું કે, બગદાદની સત્તા કદી પણ કોઈ નવી જાતિની સરકારવાળો દેશ આરબ દેશમાં બનવા નહીં દે. તેમણે કહ્યું કે, ઈરાકને ફરીથી આરબ દેશો દ્વારા અંધકારમાં લઈ નહીં જવા દેવાય. તે માટે ઈરાકની એકતા અંગે જરૂરી પગલાં લેવાશે. જનમતનો કોઈપણ પ્રકારનો ગેરકાયદેસર નિર્ણય જે ઈરાકની એકતા માટે અસરકર્તા હશે. તેને મંજૂરી નહીં અપાય. આવો નિર્ણય ગેરબંધારણીય અને શાંતિને જોખમમાં મૂકનારો સાબિત થશે. અબાદીએ કહ્યું કે, બગદાદ કુર્દીશ લોકોનું નાગરિકત્વ સમાપ્ત નહીં કરે. ઈરાકના ભાગલા પાડવાની કોઈને મંજૂરી નહીં અપાય. ઈરાક તમામ ઈરાકી લોકો માટે છે.
કુર્દીશ માટે જનમત સંગ્રહની યોજના આ વિસ્તારમાં બીજી ઘણી સમસ્યાઓ સર્જનાર છે. દાઈશના તકફીરી ત્રાસવાદીઓ દ્વારા વર્ષોથી આ વિસ્તારમાં વિનાશની લીલા સર્જી છે ત્યારે ફરીથી નવો સંઘર્ષ શરૂ થયાના એંધાણ છે. આંતરરાષ્ટ્રીય સમુદાયે પણ ઈરાકના વિભાજન સામે ચેતવણી ઉચ્ચારી કહ્યું છે કે, આવી યોજનાથી આ વિસ્તારમાં પુનઃ હિંસા ફાટી નિકળવાનો ભય સેવાઈ રહ્યો છે. અબાદીએ કહ્યું કે, કુર્દીશ વિસ્તારમાં તેલની આવકનો રપ ટકા હિસ્સો કુર્દીશ નેતાઓ લે છે. છતાં કર્મચારીઓને પગાર ચૂકવતા નથી. આ પ્રશ્ન સ્થાનિક સમસ્યા છે.