(એજન્સી) અજમેર, તા.ર૪
ભારતીય મુસ્લિમોએ ઈરાકના કરબલામાં જઈને દેશનું ગૌરવ વધાર્યું છે. રાષ્ટ્રીયતાનું પ્રદર્શન કરવા માટે ભારતીયોએ કરબલામાં સંપૂર્ણ ઉત્સાહ સાથે તિરંગો લહેરાવ્યો. વિશ્વ પ્રસિદ્ધ સુફી સંત હઝરત ખ્વાજા મોઈનુદ્દીન હસન ચિશ્તીની દરગાહના ખાદિમોએ ઈરાકના કરબલામાં હિન્દુસ્તાનનો પરચમ લહેરાવ્યો છે. ખાદિમોનો એક સમૂહ હાલના દિવસોમાં ઈરાકના પવિત્ર સ્થાનની ઝિયારત માટે ગયો છે. દેશભક્તિની ભાવના સાથે અજમેર શરીફ દરગાહના ખાદિમોએ ઈરાકના કરબલા શરીફમાં તિરંગો લહેરાવ્યો અને ઈમામની બારગાહમાં હિન્દુસ્તાન અને તેના લોકોની સલામતી માટેની દુઆ માંગી. અકીદતમંદોએ કરબલાની ગલીઓ અને બજારોમાં ધાર્મિક ગીતો પણ ગાયા.
અંજુમન સૈયદ જાદગાનના સભ્ય સૈયદ આલે બદર ચિશ્તી, તજિયેદાર અકીલ અહમદે કરબલાથી તસવીરો અને વીડિયો મોકલ્યા છે. અજમેરવાસી ભારતીય યાત્રીઓએ જણાવ્યું કે હઝરત ઈમામ હુસૈનના રોઝા પાસે આ પરચમ લહેરાવાયો. સાથે જ પોતાના દેશ તેમજ દેશના લોકો માટે ખાસ દુઆ માંગી. તેમણે જણાવ્યું કે, દરગાહના લગભગ ૩૦૦ ખાદિમો હાલ ઈરાક વગેરે દેશોના પવિત્ર સ્થાનની ઝિયારત માટે આવ્યા છે. આ દળ ૧પ દિવસથી વધુની યાત્રા પર છે.
સૈયદ આલે બદર ચિશ્તીએ જણાવ્યું કે, તેમની ઈચ્છા હતી કે આ પવિત્ર સ્થાન પર પહોંચીને ભારતનો રાષ્ટ્રધ્વજ ફરકાવું. આજે આ ઈચ્છા પૂરી થઈ. ઈરાકના લોકો પણ ભારતીયોને ખૂબ જ પ્રેમ કરે છે. ભારતને પોતાનો મિત્ર ગણે છે. ભારતીય દળને પણ સન્માનની ભાવનાથી જુએ છે. આ દળ ખ્વાજા સાહેબના અમન અને મોહબ્બતનો પૈગામ લઈને આવ્યું છે.