(એજન્સી) તા.ર૧
ઇરાકી આર્મીના જણાવ્યાનુસાર મંગળવારે ઇરાકના સલાદીન પ્રાંતમાં આવેલી એક રેસ્ટોરાંમાં આત્મઘાતી હુમલો કરાતાં ત્રણ જમવા આવેલા નાગરિકોનાં મોત થયા હતા. બાઇજીની નજીકના અલ હિજાજ વિસ્તારમાં આવેલી રેસ્ટોરન્ટમાં આ હુમલો કરાયો હતો. જેમાં ઘાયલોની સંખ્યા વિશે હજુ કોઈ માહિતી અપાઇ નથી. જોકે જણાવાયું છે કે તેમાં મોટાભાગના લોકો ઘવાયા છે. આ વિસ્તાર ટાઇગ્રીસ નદીથી ર૧૦ કિમીના અંતરે આવેલ છે. કેપ્ટન સાદ મોહમ્મદ જે સલાદીન ઓપરેશન આર્મીનું કમાન્ડ સંભાળી રહ્યા હતા. તેમણે કહ્યું કે બીજા આત્મઘાતી હુમલાખોરને સુરક્ષાદળોના જવાનોએ રેસ્ટોરન્ટની બહાર જ ઢાળી નાખ્યો હતો. જોકે હજુ સુધી કોઈ આતંકી સંગઠને આ હુમલાની જવાબદારી સ્વીકારી નથી. બાઇજી વિસ્તારમાં ઇરાકની વિશાળ રિફાઇનરી આવેલી છે જેને ઓક્ટોબર ર૦૧૪માં જ આઇએસના સકંજામાંથી મુક્ત કરાવાયું હતું. જોકે હજુ સુધી આતંકીઓ અહીં અવારનવાર હુમલા કરતાં રહે છે. ગત અઠવાડિયે ધી કાર વિસ્તારમાં આવેલી એક રેસ્ટોરન્ટ પર થયેલા આતંકી હુમલામાં લગભગ ૧૦૦થી વધુ લોકોનાં મોત થયા હતા. આ હુમલાની જવાબદારી આઇએસએ સ્વીકારી હતી. સલાદીન પ્રાંતમાં આઇએસના આતંકીઓને પકડી પાડવા માટે ઇરાકની સેનાએ અભિયાન ઝડપી બનાવ્યું છે. મંગળવારે પણ અલ મોસાહદા ઇન્ડસ્ટ્રિયલ જિલ્લામાં એક આઇઇડી બ્લાસ્ટ થતાં બે નાગરિકોનાં મોત થયા હતા જ્યારે અન્ય પાંચ લોકો ઘવાયા હતા. પોલીસ કેપ્ટન નઝાન અલ ખિદરે જણાવ્યું કે એક અન્ય આઇઈડી હુમલામાં પાટનગરના દક્ષિણ વિસ્તારમાં ત્રણ સુન્ની લડાકુઓ ઘવાયા હતા.