(એજન્સી) તા.ર૩
ઇરાકની આર્મી અને તેના ટેકેદાર પોપ્યુલર મોબિલાઇઝેશન ફ્રન્ટના જવાનોએ તલ અફારના ત્રણ જિલ્લા પર કબજો કરી લીધો છે. આ સેનાએ ISના લડાકુઓને આ જિલ્લામાંથી તગેડી મૂક્યા છે અને સંપૂર્ણ કબજો જમાવી લીધો છે. તમને જણાવી દઇએ કે ઇરાકી સેનાએ ઉત્તરીય શહેરને ISના કબજામાંથી છોડાવવા માટે ઘણા બધા અભિયાન ચલાવ્યા હતા. સરકાર સમર્થક સેનાના મીડિયા બ્યૂરો જે સામાન્ય રીતે હસદ અલ શાબી તરીકે ઓળખાય છે. તેમણેે મંગળવારે એક નિવેદન બહાર પાડ્યું હતું અને તેમાં જણાવ્યું હતું કે સ્વૈચ્છિક લડાકુઓ, સુરક્ષા દળો અને આર્મીને સંયુક્ત રીતે અભિયાનને પૂરો પાડી અલ કિફાહ, અલ નુર અને અલ અસકારી જિલ્લા પર સંપૂર્ણપણે કબજો જમાવી લીધો છે. તલ અફાર લિબરેશન ઓપરેશનના કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ અબ્દુલ અમીર યારલ્લાહે જણાવ્યું કે આર્મીના ૯ આર્મ્ડ ડિવિઝન, બે સુરક્ષા દળો અને ૧૧ અને ર૬ બ્રિગેડ ઓફ હસદ અલ સાબીએ સાથે મળીને આ મેજર અભિયાનનો અંત લાવ્યો હતો. હવે આ સેના આગળ વધી રહી છે. તેમણે જણાવ્યું કે કાઉન્ટર ટેરેરિઝમ સર્વિસના સભ્યો હવે શહેરમાં પ્રવેશી ગયા છે અને તેઓ આગળ આતંકીઓને પકડી પાડવાનો પ્રયાસ કરી રહ્યાં છે. બ્રિગેડિયર જનરલ હૈદર ફાદહિલે કહ્યું હતું કે ISના આતંકીઓ આ એડવાન્સ સેનાનો પ્રતિકાર કરવામાં નબળા પડી રહ્યા હતા. ISના આતંકીઓએ આ સેનાને અટકાવવા માટે રોકેટ, કાર બોમ્બ, રોડ સાઇડ બોમ્બ વગેરેનો ઉપયોગ કર્યો હતો. તેમ છતાં તે સેનાને અટકાવવામાં નિષ્ફળ સાબિત થયા હતા. ફાદહીલે જણાવ્યું કે જ્યારે અમારી સેના સેન્ટરમાં પહોંચશે ત્યારે લડાઇ વધુ સંઘર્ષપૂર્ણ બનશે. તમને જણાવી દઇએ કે તલ અફાર પશ્ચિમ મોસૂલથી ૬૩ કિમીના અંતરે આવેલ છે. એવું કહેવાય છે કે તલ અફારમાં હજુ પણ ૧૦થી પ૦ હજાર નાગરિકો ફસાયેલા છે. શરણાર્થીઓ માટે ચાલતા આંતરરાષ્ટ્રીય સંગઠન પણ કહે છે કે મોસુલની દક્ષિણે તલ અફારમાં બે શરણાર્થી કેમ્પ ચાલી રહ્યા છે જેમાં ૩ર૦૦થી વધુ લોકો આશ્રય લઇ રહ્યાં છે. હાલમાં તલ અફારમાં ચાલી રહેલી લડાઇને પગલે ઘણા ખરા લોકો વિસ્થાપિત થઈ રહ્યાં છે અને તેઓ પણ આ કેમ્પોમાં રાહત લેવા પહોંચશે તેવી આશંકા છે. બાળકોમાં કુપોષણ, ગરીબી, સ્વાસ્થ્યની સમસ્યાઓ વધુ વકરી રહી છે.