(એજન્સી) બગદાદ,તા.૧૮
ઇરાકના આદિવાસી લડાકુઓના કમાન્ડર જબ્બાર અલ-મામુરીએ જણાવ્યું કે મૌસૂલથી આશરે ૨૦ કિમી દૂર આવેલ માજારીન ગામની શાળામાં રવિવારે હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં એક ડઝનથી પણ વધુ લોકો ઘાયલ થયા હતા. આ શાળાનો ઉપયોગ તાલીમ કેન્દ્ર તરીકે કરવામાં આવતો હતો અને તેના પર દાઇશના તકફીરી આતંકીઓએ કબજો કર્યો હતો, તેમ કમાન્ડરે જણાવ્યું હતું. જુલાઇમાં આ ગામ દાઇશના કબજામાંથી મુક્ત કરાવવામાં આવ્યું હતું. આ હુમલો દાઇશના આતંકીઓના ભયનું તાજેતરનું ઉદાહરણ છે. તાજેતરમાં જ મુક્ત કરાવવામાં આવેલા વિસ્તારોમાંથી એક એવા અનબારના પશ્ચિમી પ્રદેશ અકાશાતમાંં થયેલા આવા જ એક હુમલામાં હશદ અલ-આબ્દીના અર્ધસૈન્યના સૈનિકો સહિત ૬ લોકોનાં મોત નિપજ્યાં હતાં. જુલાઇમાં ઇરાકી વડાપ્રધાન હૈદર અલ-આબદીએ મૌસૂલમાં દાઇશ પર વિજય મેળવ્યો હોવાની સત્તાવાર ઘોષણા કરી હતી. મૌસૂલને મુક્ત કરાવવા માટે ૧૭ ઓક્ટોબર ૨૦૧૬ના રોજ શરૂ કરવામાં આવેલા અભિયાનમાં ઇરાકી આર્મીના જવાનો અને અને સ્વયંસેવકોએ દાઇશ વિરુદ્ધ વિજય મેળવ્યો હતો. આ શહેર રાજધાની બગદાદથી આશરે ૪૦૦ કિમી દૂર આવેલું છે, જેના પર દાઇશે ૨૦૧૪માં કબજો કર્યો હતો.