(એજન્સી) મુંબઈ, તા.ર
બૉલિવુડ અભિનેતા ઇરફાન ખાન અત્યારે લંડનમાં પોતાની બીમારીનો ઇલાજ કરાવી રહ્યા છે. આ બીમારીનું નામ ‘ન્યૂરો ઇન્ડોક્રાઇન ટ્યૂમર’ છે. કેટલાક દિવસ પહેલા ઇરફાને ખુદ પોતાની બીમારી વિશે ખુલાસો કર્યો હતો. તાજેતરમાં જ ઇરફાને પોતાની બીમારી વિશે એક ઇન્ટરવ્યૂમાં જાણકારી આપી છે.
ઇરફાન ખાને જણાવ્યું કે, “મે કીમોથેરપીનું ચોથુ ચરણ પૂર્ણ કર્યું છે. મારે હજુ ૬ ચરણ પુરા કરવાના છે. ત્રીજા ચરણ પછી મે સ્કેન કરાવ્યું જેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, પરંતુ ૬ ચરણ પછી થનારો સ્કેન જરૂરી છે, ત્યારે ખબર પડશે કે સ્થિતિ ક્યાં પહોંચી છે.” ત્યારબાદ ઇરફાને કહ્યું કે, “કોઇનાં જીવનની ગેરંટી નથી. મારું મગજ મને સતત કહે છે કે હું મારા ગળામાં એક ચિપ લટકાવી લઉં અને કહું કે મને એક બીમારી છે, હું કેટલાક મહિના અથવા વર્ષ બે વર્ષમાં મરી શકું છું. અથવા હું આ બધી વાતોને અવગણીને પોતાની જિંદગી એ રીતે જીવવાનું શરૂ કરું જેવી મને મળી રહી છે. મને જિંદગીએ ઘણું બધું આપ્યું છે.”
તેણે આગળ કહ્યું કે, “તમે વિચારવાનું છોડી દો છો, પ્લાનિંગ કરવાનું બંધ કરી દો છો. તમે જીવનનાં અન્ય પાસાઓ પર ધ્યાન આપવા લાગો છો. મને જીવનમાં ઘણું બધું મળ્યું છે. આ બધા માટે મારી પાસે ફક્ત એક જ શબ્દ છે, આભાર. મને જીવન પાસેથી કોઇ જ ઇચ્છા નથી, મારે કોઇ જ પ્રાર્થના હવે નથી કરવી.” ઇન્ટરવ્યૂમાં ઇરફાનને પુછવામાં આવ્યું કે શું તમે અત્યારે કોઇ સ્ક્રિપ્ટ વાંચી રહ્યા છો? આના જવાબમાં ઇરફાને એટલું કહ્યું કે, “ના, હું કોઇપણ ફિલ્મની વાર્તા અત્યારે નથી વાંચી રહ્યો, આ બધું મારા માટે ઘણું અજીબ છે. મારા જીવનમાં હવે કંઇપણ નક્કી નથી, ક્યારે શું થશે તે મને ખબર નથી. મે મારા જીવન વિશે દરેક ચીજ વિચારી હતી, પરંતુ આજે જ્યાં છું એ ક્યારેય વિચાર્યું નહતુ. હું હવે પ્લાનિંગ કરવા નથી ઇચ્છતો. બ્રેકફાસ્ટ કરું છું. પરંતુ તેના પછી શું કરીશ તેનો પ્લાન નથી કરતો.”
ઇરફાને આગળ કહ્યું કે “જેવી રીતે ચીજો મારી સામે આવી રહી છે હું તેને એ રીતે લઇ રહ્યો છું. હવે કોઇપણ ચીજનું પ્લાનિંગ નથી કરી રહ્યો. આ અનુભવ ઘણો નવો છે અને સારો પણ. મને ઘણીવાર એવું લાગે છે કે મારું મન મારી સાથે જ ક્યાંક ફરી રહ્યું છે. દરેક ક્ષણે અહેસાસ થાય છે કે કંઇક ખૂટે છે.