નવી દિલ્હી,તા.૮
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અને ભારતરત્ન સચિન તેંદુલકર પણ એ ખેલાડીઓની લિસ્ટમાં સામેલ છે જે આઇસીસીના ચાર દિવસના ટેસ્ટ મેચના પ્રસ્તાવનાં વિરોધમાં છે. સચિન તેંદુલકરે સાફ કહી દીધુ છે કે, ટેસ્ટ ક્રિકેટ પાંચ દિવસોની જ રહેવી જોઇએ. કોઇ પણ પ્રકારનો બદલાવ બેટ્‌સમેનોને વિચારવા પર મજબૂર કરી દેશે. ખાસ વાત એ છે કે, ટીમ ઇન્ડિયાના હાલનાં કેપ્ટન વિરાટ કોહલી પણ આઇસીસીના આ પ્રસ્તાવના વિરોધમાં છે. પરંતુ તાજેતરમાં જ કેટલાક દિવસો પહેલા આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી સંન્યાસ લેનાર ટીમ ઇન્ડિયાના પૂર્વ ઓલરાઉન્ડર ઇરફાન પઠાણએ સચિન અને વિરાટ બંન્નેનો વિરોધ કરતા ચાર દિવસના ટેસ્ટ મેચની પેરવી કરી છે.આઇસીસીએ ચાર દિવસના ટેસ્ટ મેચના પ્રસ્તાવ પર સચિન તેંદુલકરએ કહ્યું, ’ટેસ્ટ ક્રિકેટનો પ્રશંસક હોવાના કારણે મને નથી લાગતુ કે, આ વિચાર યોગ્ય છે. ટેસ્ટ મેચ તેવી રીતે જ રમાડવી જોઇએ, જેવી કે અત્યાર સુધીમાં રમાતી હતી. જો ચાર દિવસોની ટેસ્ટ મેચ યોજાય છે તો બેટ્‌સમેનો વિચારવાનું શરૂ કરી દેશે કે આ સીમીત ઓવરોની માફક જ છે. અહિંયા સુધી કે રમતના બીજા દિવસે લંચના સમયે એવો વિચાર પણ આવશે કે હવે માત્ર અઢી દિવસની જ રમત બાકી છે. આથી રમવાની રીતથી લઇ તમામ વસ્તુ બદલાઇ જશે.’