(એજન્સી) તા.૧પ
ઇસ્લામિક સ્ટેટ આઇએસના આતંકીઓના આત્મઘાતી હુમલામાં ઓછામાં ઓછા ૭૪ લોકોનાં મોત થયા છે. આ હુમલો ગુરુવારે દક્ષિણ ઇરાકમાં થયો હતો. નસીરિયાના સ્વાસ્થ્ય નિર્દેશક જાસિમ અલ ખાલિદીએ કહ્યું કે શહેરના હોસ્પિટલમાં પ૦ શબ લવાયા છે. કેટલાક ઘાયલોને સ્થિતિ જોતાં મૃતકોની સંખ્યા વધશે તેવી ભરપૂર આશંકા છે. હોસ્પિટલના સૂત્રોએ જણાવ્યું કે માર્યા ગયેલા લોકોમાં ૧૦ ઇરાની પણ સામેલ હતા. આ લોકો શિયા તીર્થસ્થળની યાત્રા કરવા ગયા હતા. આ હુમલો પશ્ચિમી નસીરિયાની એક રેસ્ટોરાંમાં થયો હતો. હુમલાખોરોએ રેસ્ટોરાંના સૌથી ભીડવાળા વિસ્તારમાં આત્મઘાતી વિસ્ફોટ કર્યો હતો. હથિયારધારી જૂથના સભ્યોએ લોકો પર બોમ્બમારો કર્યો હતો અને ગોળીબાર કરવાની શરૂઆત કરી હતી. પોલીસે જણાવ્યું કે ચેકપોસ્ટ પર થયેલા હુમલામાં પણ અનેક પોલીસકર્મીનાં મોત થયા છે પરંતુ જોકે આ હુમલામાં મૃતાંકની પુષ્ટિ થઈ શકી નથી. ઇરાક અને કુર્દિશ સુરક્ષા અધિકારીઓએ કહ્યું કે મોસુલમાં પોતાની સત્તા છીનવી ગયા બાદ આતંકી સંગઠને દરોડા પાડી લડત લડવાની રીત અપનાવી છે. સીરિયાના રક્કામાં પણ આઇએસ પર ઘેરાબંધી થઇ ગઇ છે. આ શહેર મધ્યપૂર્વ અને પશ્ચિમ પર હુમલાના સંચાલનનો અડ્ડો રહ્યો છે. સુરક્ષા અધિકારીઓ કહી રહ્યાં છે કે આઇએસના સમર્થકોને આ સંદેશ આપતો હુમલો છે. આ હુમલાથી આઇએસના ટેકેદારોએ કહ્યું છે કે આ સમૂહ હજુ પણ મજબૂત છે અને જમીન ગુમાવ્યા બાદ પણ તે ઇરાકના અનેક ભાગોમાં સક્રિય થઇ શકે છે.