(એજન્સી) તા.૨
હું ન્યાય માટેની લાંબી લડાઈ લડ્યા પછી હવે “અસહાયતા અને નિરાશા” અનુભવી રહી છું. હું સંપૂર્ણપણે ભાંગી પડી છું, હું થાકી ગઈ છું. ગુજરાત પોલીસના એન્કાઉન્ટરમાં મૃત્યુ પામેલ ઈશરત જહાંની માતા શમીમા કૌસરે કહ્યું હતું કે, એ હવે આગળની સુનાવણીમાં હાજર રહેશે નહીં. સ્પે. સીબીઆઈ કોર્ટ ચાર પોલીસ અધિકારીઓ દ્વારા દાખલ થયેલ ડિસ્ચાર્જ અરજીની સુનાવણી કરી રહી હતી. આ ચાર અધિકારીઓમાં આઈજીપી જી.એસ. સિંઘલ, પૂર્વ ડીએસપી તરૂન બારોટ, જે.જી. પરમાર અને એએસઆઈ અંજૂ ચૌધરી છે. ઈશરતની માતાએ જણાવ્યું કે, ૧પ વર્ષનો સમય વીતી ગયો છે. પોલીસ અધિકારીઓ સાથે બધા આરોપીઓ જામીન ઉપર છૂટી ગયા છે. મારી દીકરીની હત્યામાં સામેલ એવા અધિકારીઓને સુનાવણી પછી પણ હોદ્દાઓ ઉપર ફરીથી નિમણૂકો આપી દેવાઈ છે. ૧પ વર્ષ પછી માંડ ટ્રાયલ શરૂ થઈ છે. એમની માતાએ કહ્યું કે, મારી દીકરી નિર્દોષ હતી. એમને એ માટે મારી નાખી. કારણ કે, એ મુસ્લિમ હતી અને એને ત્રાસવાદી જાહેર કરી નેતાઓ અને રાજકારણીઓએ પોતાના રાજકીય લાભ મેળવ્યા હતા. મુંબઈના મુંબરાની નિવાસી ૧૯ વર્ષની ઈશરત જહાં, જાવેદ શેખ, અમજદઅલી, અકબરઅલી રાણા અને ઝિશાન જૌહરની ગુજરાત પોલીસે એક કથિત અથડામણમાં હત્યા કરી હતી. પોલીસનો દાવો હતો કે, એમના સંબંધો ત્રાસવાદી સંગઠનો લશ્કર-એ-તૈયબા સાથે હતા.