(એજન્સી) નવીદિલ્હી, તા. ૯
દિલ્હી પોલીસે પાકિસ્તાની ગુપ્તચર એજન્સી આઇએસઆઇને ભારતીય વાયુદળની ગુપ્ત માહિતી આપના આરોપમાં ગ્રૂપ કેપ્ટન અરૂણ મારવાહની ધરપકડ કરી છે. પોલીસના ડેપ્યુટી કમિશનર પ્રમોદ કુશવાહાએ ૫૧ વર્ષના અરૂણની ધરપકડ કરી છે. અરૂણ પોતાના સ્માર્ટ ફોન દ્વારા ભારતીય વાયુદળના મુખ્યમથકમાં ચાલી રહેલા યુદ્ધ અભ્યાસ સાથે જોડાયેલા વર્ગીકૃત દસ્તાવેજોના ફોટા લઇ તેને વોટ્‌સએપ દ્વારા પાકિસ્તાની એજન્ટને મોકલી રહ્યો હતો. ગ્રૂપ કેપ્ટનની ગતિવિધિઓ શંકાસ્પદ જણાતા ૩૧મી જાન્યુઆરીએ તેને વાયુદળમાંથી હિરાસતમાં લેવાયો હતો. અહેવાલોમાં સૂત્રોને ટાંકીને લખવામાં આવ્યું છે કે, પાછલા વર્ષે ડિસેમ્બરના મધ્યમાં અરૂણ મારવાહને આઇએસઆઇએ બે ફેસબૂક એકાઉન્ટ દ્વારા હનીટ્રેપમાં ફસાવ્યો હતો. મોડેલ્સના પ્રોફાઇલ્સ પાછળ આઇએસઆઇ એજન્ટ્‌સ કામ કરી રહ્યા હતા. એક બે સપ્તાહ સુધી હુંફાળી વાતો બાદ અરૂણ વાયુદળના અભ્યાસ સાથે જોડાયેલી જાણકારી તેને આપવા માટે તૈયાર થઇ ગયો હતો. અત્યારસુધી પોલીસને કોઇપણ પ્રકારની નાણાકીય લેવડ-દેવડના પુરાવા મળ્યા નથી. પોલીસ કહે છે કે, અરૂણ સેક્સ ચેટને બદલે ગુપ્તચર જાણકારી આપી રહ્યો હતો. મોટાભાગના દસ્તાવેજો યુદ્ધ અને ટ્રેનિંગના અભ્યાસ સાથે જોડાયેલા છે. એક સૂત્રે જણાવ્યું કે, અરૂણે ગગન શક્તિ નામના એક અભ્યાસની જાણકારી આઇએસઆઇને આપી હતી. પોલીસે આ અંગે કોઇ વધુ માહિતી આપી નહોતી પરંતુ સૂત્રો અનુસાર અરૂણને પટિયાલા હાઉસની દીપિકા સહરાવતની અદાલતમાં રજૂ કરવામાં આવ્યો હતો જ્યાંથી તેને વિશેષ સેલ દ્વારા પાંચ દિવસના રિમાન્ડ પર મોકલી દેવામાં આવ્યો હતો. અરૂણની લોધી કોલોનીમાં આવેલા સેલના મુખ્યમથક ખાતે પુછપરછ કરવામાં આવી રહી છે. સેલ એ પણ તપાસ કરી રહ્યું છે કે, અરૂણ સાથે અન્યકોઇને પણ આઇએસઆઇએ પોતાની જાળમાં ફસાવ્યો છે કે નહીં. પોલીસની નજર હવે હેન્ડલર્સ અને મોકલાયેલા દસ્તાવેજો અંગે વધુ માહિતી એકત્ર કરવા પર છે. વાયુદળના અધિકારી વિરૂદ્ધ ઓફિશિયલ્સ સિક્રેટ એક્ટની કલમ ૩ અને ૫ અંતર્ગત ફરિયાદ નોંધવામાં આવી છે. અરૂણનો ફોન જપ્ત કરી તેને ફોરેન્સિક તપાસ માટે મોકલી દેવાયો છે. તેણે વાયુ દળના મુખ્યમથકમાં પોતાની પોસ્ટિંગને પગલે ચાલતા ઘણા ગુપ્તચર દસ્તાવેજો તથા યોજનાઓ સુધી પહોંચ હોવાની વાત પણ કબૂલી હતી.

આ આઇએસઆઇ એજન્ટ (આઇએએફ અધિકારી) અરૂણ મારવાહના સમર્થનમાં કોઇ હેશટેગ કેમ નથી ? : સલમાન નિઝામી

કોંગ્રેસના નેતા સલમાન નિઝામીએ આઇએસઆઇને માહિતી પુરી પાડનારા એરફોર્સના અધિકારી સાથે ચર્ચા કરવા માગ કરી છે. શોપિયાંમાં સેના દ્વારા નાગરિકોની હત્યા કરવાની સાથે આ ઘટનાને સરખાવતા નિઝામીએ ટિ્‌વટર પર લખ્યું કે, ‘હે ટાઇમ્સ નાઉ, આ આઇએસઆઇ એજન્ટ (આઇએએફ અધિકારી) અરૂણ મારવાહના સમર્થનમાં કોઇ હેશટેગ નથી ? ઓહ ! તમે ફક્ત નિર્દોષ કાશ્મીરીઓના હત્યારાઓને બચાવો છો’ નિઝામી ત્યારે પ્રકાશમાં આવ્યા હતા જ્યારે ગુજરાત પ્રચાર દરમિયાન મોદીએ કહ્યું હતું કે,રાહુલ ગાંધી માટે ફક્ત એક જ સલમાન નિઝામી પ્રચારક છે.
મોડેલની લાલચે ગ્રુપ કેપ્ટન અરૂણ મારવાહને ઇન્ડિયન એરફોર્સના ગુપ્ત દસ્તાવેજો લીક કરવા પ્રેર્યો

છ મહિના પહેલા અરૂણ મારવાહ સોશિયલ મીડિયા પર હની ટ્રેપનો શિકાર બન્યો હતો. મારવાહ સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતો હતો જ્યાં તે વીડિયો અને ફોટોગ્રાફ્સ શેર કરતો હતો. તેની પોસ્ટિંગને કારણે તે પાકિસ્તાની આઇએસઆઇ નેટવર્કની નજરમાં આવ્યો હતો. તેને કિરન રંધાવા અને મહિમા પટેલ નામની બે મહિલાઓની રિકવેસ્ટ મળી હતી. તેણે બંનેની પ્રોફાઇલ જોઇ રિકવેસ્ટ એકસેપ્ટ કરી હતી. પરંતુ આ પ્રોફાઇલ ફેક હતી અને તેને આઇએસઆઇએ બનાવી હોવાનો ખુલાસો થયો છે. મોડેલના પ્રોફાઇલ પિક્ચર પરથી ફોટાનો ઉપયોગ કરાયો હતો. આ વાતો વધતા ગ્રૂપ કેપ્ટન જાળમાં ફસાયો હતો અને માહિતી આપવા તૈયાર થયો હતો.