(એજન્સી) લખનૌ, તા.ર૪
આર્મી ઈન્ટેલિજન્સ અને ઉત્તરપ્રદેશ એટીએસની સંયુક્ત ટીમે બુધવારે પિથૌરાગઢના ડિડીહાટમાંથી આઈએસઆઈ એજન્ટની ધરપકડ કરી હતી. એડીજી લૉ ઓફ ઓર્ડર અશોકકુમારે જણાવ્યું કે બુધવારે સવારે પિથૌરાગઢ પોલીસની મદદથી યુપી એટીએસએ રમેશ કન્યાલની એના ઘરમાંથી ધરપકડ કરી હતી. એમણે કહ્યું કે રમેશ કન્યાલનો ભાઈ ભારતીય સેનામાં તૈનાત છે. કેટલાક વર્ષ પહેલાં એના ભાઈએ રમેશ કન્યાલને ભારતીય સેના તૈનાત એક બ્રિગેડિયરના ઘરે નોકરી અપાવી હતી. થોડાક સમય પછી બ્રિગેડિયરની પાકિસ્તાન સ્થિત દૂતાવાસ ખાતે પોસ્ટિંગ થઈ હતી.
ઘરનું કામકાજ સારી રીતે કરતો હોવાથી બ્રિગેડિયર રમેશને એમની સાથે પાકિસ્તાન લઈ ગયા હતા. રમેશ પર એવો આરોપ છે કે રમેશ કન્યાલ ત્યાં પાકિસ્તાની ગુપ્તચર એજન્સીના સંપર્કમાં આવી ગયો હતો.