(એજન્સી) નવી દિલ્હી, તા.ર૧
ગૃહમંત્રી રાજનાથસિંઘે કહ્યું છે કે, હિન્દુસ્તાનનો કોઈપણ મુસલમાન કોઈપણ કિંમતે ભારતમાં આઈએસઆઈએસને તક નહીં આપે. વારાણસીમાં પત્રકારો સમક્ષ બોલતાં ગૃહમંત્રીએ કહ્યું કે, આતંકી ઘટનાઓની જવાબદારી લેવા માત્રથી એ વાતની પુષ્ઠિ થતી નથી કે કાશ્મીરમાં આઈએસઆઈએસની દખલ છે. કાશ્મીરના જે યુવાનો ભટકી ગયા હતા તેમની વિચારધારા બદલાઈ રહી છે. આતંકી પ્રવૃત્તિથી પોતાને દૂર રાખનાર યુવાનો માટે સુરક્ષાની વ્યવસ્થા કરાશે. યોગી આદિત્યનાથ આઈએસના નિશાન પર હોવાના સવાલ અંગે રાજનાથસિંઘે કહ્યું કે ગુપ્તચર એજન્સીઓ આ અંગે કામ કરી રહ્યા છે. અયોધ્યામાં ૮ સંદિગ્ધ લોકો પકડાયાની ઘટના અંગે તેમણે કહ્યું કે, તે અંગે પૂરી જાણકારી હાંસલ કરાશે. સુરક્ષાની દ્રષ્ટિએ ભારતની સ્થિતિ બાકી દેશોથી ઘણી સારી છે. દેશની જનતા અનુભવી રહી છે કે આપણે નકસલવાદ અને આતંકવાદ પર કાબૂ કરવામાં ઘણી સફળતા મેળવી છે.